Site icon Revoi.in

દેશની મહિલા શક્તિ ડેરી સેક્ટરની કરોડરજ્જુ: પીએમ મોદી

Social Share

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, અમૂલની યાત્રાને સફળ બનાવવા પશુધનની મહત્વની ભૂમિકા રહી છે. પશુધન વગર ડેરી ક્ષેત્ર આગળ વધી ના શકે. આઝાદી બાદ અમૂલ શ્રેષ્ઠ બ્રાન્ડ બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા છે. અમૂલે અનેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. દુનિયાના 50થી વધુ દેશોમાં અમૂલના ઉત્પાદનોનું નિકાસ કરવામાં આવે છે .આવનારી પેઢીનું ભાગ્ય અમૂલે બદલ્યું છે. સરદાર સાહેબના માર્ગદર્શન હેઠળ અમૂલનો પાયો નખાયો હતો. દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ ભારત છે.

ડેરી સેક્ટરમાં દેશના 8 કરોડ લોકો સીધા જોડાયેલા છે. છેલ્લા 10 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતા 40 ટકા વધી છે. ભારતમાં ડેરી સેક્ટરનું 10 લાખ કરોડ ટર્ન ઓવર છે.  દેશની મહિલા શક્તિ ડેરી સેક્ટરની કરોડરજ્જુ છે. નારી શક્તિના પરીશ્રમથી અમૂલ ઊંચાઈ પર પહોંચ્યું છે. મહિલા શક્તિના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે.

પશુપાલકો પાસેથી ગાયનું છાણ ખરીદવાની યોજના બનાવવામાં આવી રહી છે. સરકારે પશુધન વીમા માટે પ્રીમિયમની રકમ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. દેશમાં 8 કરોડ લોકો સીધા ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. માઇક્રો એટીએમ લગાવવાથી પશુપાલકો માટે પૈસા ઉપાડવાનું સરળ બન્યું છે. વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું જરૂરી છે. માછલી ઉછેર કરનારાઓ અને મધમાખી ઉછેર કરનારાઓને ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર  પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દાયાણી, એરમાર્શલ નર્મદેશ્વર તિવારી, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, મેજર જનરલ એસ. એસ. વિર્ક કલેકટર પ્રવીણા ડી.કે. સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ પ્રધાનમંત્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ 1.25 લાખથી વધુ ખેડૂતો આવ્યા હતા.