અમદાવાદ, 7 જુલાઈ, 2026 – અમદાવાદમાં 2008ના શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસના તમામ આરોપીની ફાંસીની સજા ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે. ગુજરાત હાઈકોર્ટે આજે મંગળવારે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આ મામલામાં 38 દોષિતોની ફાંસીની સજા બહાલ રાખી છે.
અગાઉ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આ મામલામાં ચુકાદો આપતાં 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ પછી રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટમાં એક કન્ફર્મેશન પિટિશન દાખલ કરવામાં આવી હતી. તેના પર જ ચુકાદો આપતાં હાઈકોર્ટે આ ચુકાદાને બહાલ રાખ્યો છે.
38 આતંકવાદીઓની ફાંસી અને 11 ની આજીવન કેદની સજાના નિર્ણયને બહાલ રાખ્યો
18 વર્ષ પહેલાની આતંકી ઘટનામાં છેવટે હાઈકોર્ટે પણ મક્કમ વલણ અખત્યાર કર્યું છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે એટલે કે મંગળવારે ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટના આદેશ પર મહોર મારતાં 38 આતંકવાદીઓની ફાંસી અને 11 ની આજીવન કેદની સજાના નિર્ણયને બહાલ રાખ્યો છે. હાઈકોર્ટે સિરિયલ બ્લાસ્ટ કેસમાં 56 મૃતકોના પરિજનોને 10 લાખ, 200 થી વધુ ઘાયલોને 1 લાખ વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે.
26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં માત્ર 70 મિનિટની અંદર એક પછી એક 21 વિસ્ફોટ થયા હતા. આ સિરિયલ બ્લાસ્ટમાં 56 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હમલાખોરોએ નરોડા, બાપુનગર, સરખેજ અને હાટકેશ્વર જેવા ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલો, બસો, જાહેર સ્થળો અને બજારોમાં બોમ્બ ગોઠવવામાં આવ્યા હતા.
આતંકીઓએ હોસ્પિટલોને પણ નિશાન બનાવી હતી
બોમ્બ સાયકલો પર રાખેલા ટિફિન બોક્સમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા. કેટલાય વિસ્ફોટોમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની સિટી બસ સેવાને નિશાન બનાવવામાં આવી હતી, જેનાથી બસોના ફુરચા ઊડી ગયા હતા. શરૂઆતના સિલસિલાબંધ ધમાકાના આશરે 40 મિનિટ બાદ, બે ધમાકા બે અલગ-અલગ હોસ્પિટલોના પરિસરની અંદર થયા હતા. હોસ્પિટલોમાંનો એક ધમાકો એ સમયે થયો, જ્યારે શરૂઆતના ધમાકાઓમાં ઘાયલ થયેલા પીડિતોને ત્યાં દાખલ કરવામાં આવી રહ્યા હતા.
38 આરોપીઓને ફાંસી, 11 ને આજીવન કેદ
આ કેસના 14 વર્ષ બાદ 2022 માં સેશન્સ કોર્ટે 38 આતંકવાદીઓને ફાંસી અને 11 ને આજીવન કેદની સજા સંભળાવી હતી. અદાલતે આ મામલાને વિરલથી અતિ વિરલ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ફાંસીની સજા આપવી યોગ્ય છે. સાથે જ, મૃતકો અને ઘાયલ લોકોના પરિવારોને વળતર આપવાનો પણ આદેશ આપ્યો હતો. આ પહેલો એવો મામલો છે, જ્યારે કોઈ પણ કેસમાં એકસાથે 38 આરોપીઓને દોષિત માનતા અદાલતે ફાંસીની સજા સંભળાવી હોય.
રાજ્ય સરકારે પણ દાખલ કરી હતી અરજી
તમામ દોષિતોએ ત્યારે નીચલી અદાલતના આ નિર્ણય વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. બીજી તરફ, રાજ્ય સરકારે પણ હાઈકોર્ટ સમક્ષ ફાંસીની સજાની પુષ્ટિ માટે અરજી દાખલ કરી હતી. કાયદા અનુસાર, કોઈપણ ગુનેગારને ફાંસી આપવા માટે હાઈકોર્ટની મંજૂરી મળવી અનિવાર્ય હોય છે, એટલા માટે જ સજા પામેલા દોષિતોએ નીચલી અદાલતના ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. દોષિતોના વકીલોએ પોલીસની તપાસ, પુરાવાઓ અને કબૂલાતનામા પર સવાલો ઉઠાવ્યા હતા.

