Site icon Revoi.in

ઝાલાવાડના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકામાં નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની માગ ઊઠી

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા યોજનાનો લાભ મળતો થયા બાદ મોટી સંખ્યામાં ખેડુતો ઉનાળુ વાવેતર કરવા લાગ્યા છે. જેમાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકામાં ખંડુતોએ ઉનાળુ વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. પરંતુ નર્મદા યોજનાનું પાણી સિંચાઈ માટે ન અપાતા ખેડુતોનો પાક બળી જવાની દહેશત ઊભી થઈ છે. ખેડુતોએ સ્થાનિક કક્ષાએ સિંચાઈનું પાણી આપવાની માગ કરી હતી પણ તેનો કોઈ ઉકેલ ન આવતા જિલ્લાના 3 તાલુકાના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ ધસી આવી સૂત્રોચ્ચાર સાથે આવેદન પાઠવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને ખેડુતોએ પાઠવેલા આવેદન પત્રમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે,  વઢવાણ, ધ્રાંગધ્રા અને મુળી તાલુકાના 28 ગામોને નર્મદાના પાણીનો લાભ ન મળતો હોવાથી પિયત વિના 22,872 હેક્ટર ઉનાળુ વાવેતરને નુકસાન થઈ રહ્યું છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અગાઉ મુખ્ય મંત્રી સુધી રજૂઆતો કરી ત્યારે માર્ચ સુધીમાં પાણી આપવાનું જણાવ્યું હતું. હાલ એપ્રિલ માસ પૂરો થવા આવ્યો છતાં પાણી ન મળ્યુ હોવાથી પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતો નર્મદાના પાણી મેળવવા માટે હવે લડી લેવાના મુડમાં આવી ગયા છે. ખેડુતો કહી રહ્યા છે. કે, અમે નર્મદાનું પાણી લઇને જ જંપીશુ. ઉપવાસમાં કોઇ પણ જાતની જાનહાનિ કે માલહાનિ થાય તેની જવાબદાર સરકાર રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકાના 27 ગામોના ખેડૂતો પાણીથી વંચિત હોવાથી નર્મદાનું પાણી આપવા માટે રજૂઆત કરવા ધસી આવ્યા હતા.જેમાં કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર સાથે આવેલા ખેડૂતોએ આવેદન પાઠવી નર્મદાના પાણી આપવા માગ કરી હતી. જિલ્લામાં 690 ગામોનો નર્મદાના પિયત વિસ્તારમાં સમાવેશ થાય છે. જેમાં ઘણા બધા ગામો નર્મદાના પિયતના પાણી માટે વંચિત છે. અગાઉ ધ્રાંગધ્રા, મૂળી, વઢવાણ તાલુકાના તમામ ગામના સરપંચો તથા ગામના ખેડૂતોએ ભાજપ ધારાસભ્યો તથા જિલ્લાના હોદ્દેદારો અને પ્રમુખને વારંવાર મળીને રજૂઆતો કરી છતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આથી ખેડુતોએ મુખ્યમંત્રીને તા.18-2-2022ના રોજ તેમના નિવાસસ્થાને ગાંધીનગર જઇને મળ્યા હતા. જ્યાં તેઓએ આશ્વાસન આપ્યું હતું કે દોઢ માસમાં તમને નર્મદાનું પાણી મળી જશે.પરંતુ આજ દિન સુધી નર્મદાનું પાણી મળ્યું નથી કે કોઇ પણ જાતનું તેના માટે કામ પણ ચાલું કરાવાયું નથી. આથી ત્રણેય તાલુકાના 27 ગામોને જલ્દીથી પાણી મળે અને સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરાવવા માગ કરી છે. જિલ્લાના વઢવાણ તાલુકાના 10 ગામમાંથી અગાઉ 15 વર્ષ પહેલા પાણીની અછત હતી. ત્યારે ગામની સીમ જમીનમાંથી તથા ગામ તળમાંથી 1 હજાર ફૂટ જેવા બોરવેલ કરી અને સુરેન્દ્રનગરને પાણી પૂરું પડાતું હતું. અત્યારે ગામડાંઓને પાણી માટે વલખા મારવા પડે છે. કેટલાક ગામોમાં પીવા માટે પણ પાણી નથી. જો 15 દિવસમાં નર્મદા કેનાલ કે પાઇપલાઇન દ્વારા પાણી નહીં મળે તો તમામ સરપંચો અને ખેડૂતોને નછૂટકે આંદોલનનો માર્ગ અપાનવવાની ફરજ પડશેની ચીમકી અપાઇ હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખેડૂતોએ 30,765 હેક્ટરમાં ઉનાળુ વાવેતર કર્યું છે. જેમાં મુખ્યત્વે મગફળી, તલ, શાકભાજી, ઘાસચારો, ગમગુવાર સહિતનું વાવેતર કરાયું છે. આ કુલ વાવેતર પૈકી જિલ્લામાં 22,872 હેકટર વાવેતર ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકામાં કરાયું છે. જિલ્લાના કુલ વાવેતરના 74 ટકા વાવેતર તો આ 3 તાલુકામાં જ થયું છે.