Site icon Revoi.in

ગત વર્ષની જેમ ધો, 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શાળા કક્ષાએ લેવા વાલીઓની માગણી

Social Share

ગાંધીનગરઃ કોરોનાને લીધે સૌથી વધુ અસર શિક્ષણને થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ સહિતની કામગીરી હાલમાં બંધ થઈ ગઈ છે. આથી ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલની પરીક્ષા શાળાકક્ષાએ લેવાનો આદેશ કરવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઊઠી છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં રોજબરોજ વધઘટ જોવા મળી રહી છે. કોરોનાના કેસ વધતા કેસને લીધે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ઓનલાઇન શિક્ષણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ધોરણ-10થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન અને ઓનલાઇન બે ઓપ્શન આપવામાં આવ્યા છે. જોકે કોરોનાના વધતા જતા સંક્રમણનો ભોગ શાળામાં જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ બની રહ્યા છે. જેના પરિણામે મોટાભાગની શાળાઓમાં ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલની કામગીરી હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.

બીજી તરફ હવે શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે માંડ દોઢેક માસ બાકી રહ્યો છે. ત્યારે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓને ભૌત્તિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને રસાયણશાસ્ત્રના પ્રેક્ટિકલ માંડ પાંચેક જેટલા થયા છે.જ્યારે 18થી 20 જેટલા પ્રેક્ટિકલ કરવાના બાકી રહ્યા છે. ત્યારે આટલા ટુંકા સમયમાં વિદ્યાર્થીઓ બોર્ડ અને નીટની પરીક્ષાની તૈયારીઓ કરે કે પછી પ્રેક્ટિકલ કરવા શાળામાં જાય તેવી સ્થિતિથી વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને માનસિક મુંઝવણ દુર થાય તે માટે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રેક્ટિકલની પરીક્ષા શિક્ષણ બોર્ડે લેવાને બદલે શાળામાં જ લેવામાં આવે તેવી માંગણી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉઠી રહી છે.