Site icon Revoi.in

સરકારી કર્મચારીનું કોરોનાને લીધે મૃત્યુ થાય તો તેના વારસદારોને 25 લાખની સહાય આપવા માગ

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાના ભાગરૂપે બજાવેલી ફરજના કિસ્સામાં સરકારી કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો 25 લાખની સહાય ચૂકવવાનો ઠરાવ કર્યો છે ત્યારે સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા ફરજ દરમિયાન કોઇપણ વિભાગના અધિકારી- કર્મચારીનું કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં 25 લાખની સહાય ચૂકવવા મુખ્ય સચિવને પત્ર લખાયો છે.

ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના ખજાનચી ભાગ્યેશ પટેલે લખેલા પત્રમાં એવી રજુઆત કરી હતી કે, સરકારી વિભાગો, કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી- કર્મચારીઓને તેમની રોજબરોજની સેવાઓ દરમિયાન રૂબરૂ ચર્ચા કરવા પણ વિવિધ કચેરીઓ, શાખાઓમાં જવું પડતું હોય છે. આ પરિસ્થિતિમાં અનેક કર્મચારીઓ- અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે અને કેટલાક કિસ્સામાં સંક્રમણને કારણે અવસાન પણ થયું છે. જેથી સરકારની ફરજો બજાવતા અધિકારી- કર્મચારીના કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં તેમના કુટુંબને રાહત થાય તે માટે સરકારે આશ્રિતોને 25 લાખની સહાય ચૂકવવી જોઇએ.