Site icon Revoi.in

અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જોકે વહેલી સવારે ઠંડીનો થોડો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં શહેરની આશરે 150 હોસ્પિટલોમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં આ વર્ષે પણ કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. માત્ર ફેબ્રુઆરીમાં 23 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરી 2020માં નોંધાયેલા ચોક્કસ ટ્રેન્ડને અનુસરે છે, જ્યારે 24 કેસ નોંધાયા હતા. જો કે, ચિકનગુનિયાના કેસો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે ચિંતાજનક બાબત છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યારસુધીમાં 78 ચિકનગુનિયાના કેસ નોંધાયા છે. જેમાંથી 20 માત્ર ફેબ્રુઆરીમાં નોંધાયા હતા. ગત વર્ષ દરમિયાન 1,754 ચિકનગુનિયાના કેસ સામે આવ્યા હતા, જ્યારે 2020માં 923 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બંને એડીસ ઈજિપ્તી મચ્છર દ્વારા થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ શહેરમાં મલેરિયાના કેસોમાં ઘટાડો થયો છે. આ વર્ષના જાન્યુઆરીથી અત્યારસુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓએ કરેલા દાવા પ્રમાણે, મલેરિયાના માત્ર 6 કેસ જ નોંધાયા હતા, જેમાંથી બે ફેબ્રુઆરીમાં હતા. ગયા વર્ષે, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 987 મલેરિયાના કેસ નોંધાયા હતા, તેવો દાવો એએમસીના અધિકારીઓએ કર્યો હતો. પાણીજન્ય રોગની વાત કરીએ તો, શહેરમાં ટાઈફોઈડના 68 કેસ અને કમળાના 83 કેસ નોંધાયા હતા. ‘આ વર્ષના પ્રથમ બે મહિનામાં કમળાના કેસ વધીને 225 કેસ નોંધાયા હતા. ગત વર્ષ દરમિયાન 1,439 કેસ નોંધાયા હતા, જ્યારે 2020માં કમળાના 664 કેસ સામે આવ્યા હતા.

મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  આ વર્ષે 26 ફેબ્રુઆરી સુધીમાં કોલેરાનો એક પણ કેસ નોંધાયો નહોતો. મહાનગરપાલિકા સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ડિસીસ સર્વેલન્સ પ્રોગ્રામ શરૂ કરશે. હોસ્પિટલ સિવાય, સ્કૂલો પણ જ્યારે તેમના પરિસરમાં હેલ્થ ચેક-અપનું આયોજન કરે ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનો વાર્ષિક અથવા માસિક રિપોર્ટ આપવો પડશે.

Exit mobile version