Site icon Revoi.in

અમદાવાદની 70થી વધુ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ઘટ છતાં DEO નિર્ણય કરતા નથી

Social Share

અમદાવાદઃ શહેરમાં સરકારી, ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણના કાર્ય પર અસર પડી રહી છે. જે શિક્ષકો નિવૃત થાય તેના સ્થાને પ્રવાસી શિક્ષકોની નિમણૂંકો કરવામાં આવતી હોય છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ અસર ન થાય પરંતુ  શહેરની શાળાઓમાં 70થી વધુ પ્રવાસીઓની ઘટ છે. શાળા સંચાલકોએ આ અંગે અવાર-નવાર જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆતો કરવા છતાં નિર્ણય લેવામાં આવતો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ 2022-23ને શરૂ થાય 6 મહિના જેટલો સમય થયો છે. શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં પ્રારંભે ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર પ્રવાસી શિક્ષકો નિમણૂંકો કરવામાં આવતી હોય  છે, પરંતુ અમદાવાદની અનેક ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ પ્રવાસી શિક્ષકોની અછત છે. જેના કારણે 6 મહિનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. દરમિયાન અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના કહેવા મુજબ જે સ્કૂલોએ દરખાસ્ત મૂકી હોય અને નિયમમાં આવતું હોય તે તમામને અને પ્રવાસી શિક્ષક ફાળવ્યા છે. સરકાર દ્વારા પ્રવાસી શિક્ષક માટે ખૂબ જ ઝડપથી નિર્ણય લઈને પ્રવાસી શિક્ષક આપવામાં આવે જ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો નિવૃત થાય કે અન્ય કારણસર શિક્ષકોની જગ્યા ખાલી થાય તો તે જગ્યા પર પ્રવાસી શિક્ષકોને કામ ચલાઉ ધોરણે મૂકવામાં આવે છે. શિક્ષકોની ઘટ પૂરવા માટે જ પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ અમદાવાદ સહિત રાજ્યની સ્કૂલોમાં અનેક શિક્ષકોની જગ્યા ખાલી છે. છતાં પ્રવાસી શિક્ષકો મૂકવામાં આવ્યા નથી. શાળા સંચાલકોના કહેવા મુજબ  દિવાળી અગાઉ અમદાવાદ શહેરમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી હતા, ત્યારે તે પ્રવાસી શિક્ષક માટે નિર્ણય ના લઈ શક્યા. પરંતું દિવાળી બાદ કાયમી જિલ્લા શિક્ષણાધિકારીને મૂકવામાં આવ્યા છે, તો તેમને પણ પ્રવાસી શિક્ષકો ફાળવ્યા નથી, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે.

શાળા સંચાલક ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની 70 થી વધુ સ્કૂલોમાં 150 કરતા વધુ પ્રવાસી શિક્ષકોની ઘટ છે. આ ઘટ પૂરી કરવા અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ શિક્ષણ વિભાગ કોઈ રસ નથી લેતું. 6 મહિના જેટલો સમય થઈ ગયો છતાં શિક્ષકો ના હોવાથી વિદ્યાર્થીઓને ગણિત,વિજ્ઞાન અને ઈંગ્લીશ જેવા વિષયોના અભ્યાસમાં મુશ્કેલી આવી રહી છે.