નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જેમાં દિલ્હી ખાતે સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ કરવાના વિવાદે જોર પકડ્યું છે. વિપક્ષ સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે આ મામલે સ્પષ્ટીકરણ અને નિવેદનની માંગ કરી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે, વિદ્યાર્તીઓ ઉપર આવી રીતે બળપ્રયોગ કરવાની મંજુરી કોણે આપી તેનો જવાબ દેશને ગૃહમંત્રી સંસદમાં આવીને આપે. દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઓડિશાના સંબલપુરથી ભાજપના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોંગ્રેસ પાર્ટી પર વિદ્યાર્થીઓના મુદ્દે ખોટી અફવાઓ ફેલાવવાનો અને રાજકીય રોટલો શેકવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વિદ્યાર્થીઓના હિતોની આડમાં સતત ભ્રામક વાતો અને જૂઠાણું ફેલાવી રહી છે. તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધી પાસે કોઈ નક્કર તથ્યો હોતા નથી. આદત મુજબ જૂઠું બોલનારા વિપક્ષના નેતાને ન તો સંસદમાં આવવું છે અને ન તો સરકારનો સાચો જવાબ સાંભળવો છે. તેઓ માત્ર પોતાનું જૂઠાણું ફેલાવીને ઘડિયાળી આંસુ વહાવવાનું જાણે છે.
પૂર્વ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કોઈપણ આધાર કે તથ્ય વગર પાયાવિહોણા અને જૂઠા આક્ષેપો કરવા તે રાહુલ ગાંધી અને કોંગ્રેસની રાજકીય નિરાશા દર્શાવે છે. સરકાર દરેક મુદ્દે સંસદમાં ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ કોંગ્રેસ લોકશાહીના પવિત્ર મંદિર સમાન સંસદ ભવનને અટકાવીને દેશ અને યુવાનોના ભવિષ્યને દાવ પર લગાવી રહી છે. કોંગ્રેસની પ્રાથમિકતા દેશહિત નહીં પરંતુ પોતાના સ્વાર્થની છે. જ્યારે સંસદની અંદર ચર્ચાનો સમય આવે છે ત્યારે આ લોકો બહાર આવીને હોબાળો મચાવવા લાગે છે, કારણ કે તેમની પાસે ગૃહમાં તથ્યો સાથે જવાબ સાંભળવાની ક્ષમતા નથી.
-
‘કોંગ્રેસનું લોકશાહી પણ સિલેક્ટિવ છે’
ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો ઉલ્લેખ કરતા ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસની બેવડી નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની લોકશાહી પણ ‘સિલેક્ટિવ’ છે. જ્યાં પોતાની સરકાર હોય ત્યાં યુવાનો પર અત્યાચાર થાય તો આંખ આડા કાન કરવા અને જ્યાં રાજકીય ફાયદો દેખાય ત્યાં જૂઠાણું ફેલાવીને હોબાળો મચાવવો એ તેમની જૂની આદત છે. ઝારખંડમાં વિદ્યાર્થીઓ સાથે જે બર્બરતા થઈ છે તે આખા દેશે જોઈ છે. ભાજપના સાંસદે સવાલ કર્યો કે દરેક નાના-મોટા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરતા રાહુલ ગાંધી આ ઘટના પર કેમ ચૂપ છે? દેશનો યુવાન હવે કોંગ્રેસના આ બેવડા ચરિત્રને સારી રીતે ઓળખી ગયો છે. લોકશાહીમાં તાનાશાહી કે જોહુકમી માટે કોઈ સ્થાન નથી, આ વાત રાહુલ ગાંધી અને કટોકટીવાળી માનસિકતા ધરાવતી કોંગ્રેસ પાર્ટીએ ગાંઠ બાંધી લેવી જોઈએ.

