Site icon Revoi.in

શું E-20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી વીમો પાસ થતો નથી? જાણો હકીકત

Does using E-20 petrol invalidate insurance? Know the facts

Does using E-20 petrol invalidate insurance? Know the facts

Social Share

રિવોઈ ન્યૂઝ, 24 જૂન, 2026 – શું E-20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી વીમો પાસ થતો નથી? આ પ્રશ્ન આજકાલ લગભગ દરેક કાર ચાલકોના મનમાં ઊઠી રહ્યો છે. તેનું કારણ એ છે કે રાષ્ટ્રની પ્રગતિના વિરોધી તત્વો આ વિશે છેલ્લા કેટલાય સમયથી સતત અફવા ફેલાવ્યા કરે છે.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના લગભગ તમામ વિકસિત દેશોમાં ઘણા દાયકાથી ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ થાય છે. અને આ મિશ્ર ઈંધણને કારણે વાહનોને કોઈ મુશ્કેલી પડી હોવાનું સત્તાવાર રીતે ક્યાંય નોંધાયું નથી. તેમ છતાં શક્ય છે કે પરંપરાગત પેટ્રોલ ઉત્પાદન અને વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને તેમની સાથે ભળી ગયેલા સ્થાપિત હિત ધરાવતા લોકોને ઈથેનોલ મિશ્રિત પેટ્રોલની લોકપ્રિયતા વધવાનો ડર લાગી રહ્યો હોય. કેમ કે તેના કારણે તેમના સ્થાપિત હિતોને નુકસાન થઈ શકે તેમ છે.

હકીકત શું છે?

વાસ્તવમાં ભારતમાં 2003થી અર્થાત અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારથી પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ કરવાના પ્રયોગો થઈ રહ્યા છે. અમેરિકા અને યુરોપના દેશોમાં તો એ પહેલેથી આવું પેટ્રોલનું વેચાણ થતું હતું અને કાર ઉત્પાદકો પણ E-20 પેટ્રોલ ઉપર ચાલી શકે તેવી કારનું ઉત્પાદન કરી જ રહ્યા છે.

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના મુખ્ય બે આશય છે. એક તો, મોંઘા ક્રુડ ઓઈલની આયાત ઉપરની ભારતની નિર્ભરતા ઓછી થાય અને સાથે પ્રદૂષણનું સ્તર ઓછું થાય. કેમ કે ઈથેનોલ શેરડીના કૂચામાંથી બનાવવામાં આવે છે અને પરિણામે તેમાં પર્યાવરણમાં ઝેરી ગેસ ફેલાવે એવા તત્વો હોતા નથી.

સરકાર ઉપરાંત આ વિષયના નિષ્ણાતોએ આ બધી સ્પષ્ટતા વારંવાર કરી હોવા છતાં સ્થાપિત હિતો E-20 વિરુદ્ધ અપપ્રચાર ફેલાવવાનું બંધ કરતા નથી. આ દરમિયાન તાજેતરમાં વધુ એક દેશ વિરોધી તત્વ દ્વારા E-20 પેટ્રોલ વિરૂદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ ભરાવતી કાર ઝડપથી બગડી જશે એટલું જ નહીં પરંતુ અકસ્માતના કિસ્સામાં વીમા કંપનીઓ આવી કારના વીમા પાસ નહીં કરે.

ઇન્શ્યોરન્સ રદ થવાનો દાવો તદ્દન ખોટો

પેટ્રોલિયમ મંત્રાલય અને પીઆઈબી (PIB Fact Check) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગાડીમાં E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી મોટર ઇન્શ્યોરન્સ પોલિસી અમાન્ય (Invalid) થતી નથી. તમામ મોટર ઇન્શ્યોરન્સ પોલિસીઓ પહેલાની જેમ જ સંપૂર્ણપણે માન્ય રહેશે.

ઇન્શ્યોરન્સ કંપનીની સ્પષ્ટતા: સોશિયલ મીડિયા પર જે કંપનીનું નામ જોડીને અફવા ફેલાવાઈ રહી હતી, તે ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે પોતે સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, જૂના વાહનોમાં E-20 ફ્યુઅલના ઉપયોગને તેઓ કોઈ બેદરકારી ગણતા નથી અને આ આધારે કોઈ ક્લેમ રિજેક્ટ કરવામાં આવશે નહીં. ક્લેમ એક્સિડન્ટ કે ચોરી જેવા નિયમોના આધારે નક્કી થાય છે, ઇંધણના પ્રકાર પર નહીં.

ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ સંપૂર્ણ સુરક્ષિત: સરકારે જણાવ્યું છે કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ બનાવવાની આ પદ્ધતિ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને સુરક્ષિત છે. તેનાથી વાહનોને નુકસાન થવાનો ભય ખોટો છે.

દેશને મોટો આર્થિક ફાયદો: સરકારના રિપોર્ટ અનુસાર, આ એથેનોલ બ્લેન્ડિંગ સ્કીમને કારણે ભારતને અત્યાર સુધીમાં વિદેશી હૂંડિયામણ (Forex) માં 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે, કારણ કે કાચું તેલ (Crude Oil) બહારથી ઓછું આયાત કરવું પડે છે. આ ઉપરાંત, શેરડી અને અનાજ ઉગાડતા ભારતીય ખેડૂતોની આવકમાં પણ આનાથી વધારો થયો છે.

નિષ્કર્ષ: જો તમારી ગાડીમાં E20 પેટ્રોલનો ઉપયોગ થાય છે, તો તેનાથી તમારા વાહનના ઇન્શ્યોરન્સ ક્લેમ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા વીડિયો કે પોસ્ટ માત્ર અફવા છે.

Exit mobile version