Site icon Revoi.in

ઉનાળામાં મખાના ખાતી વખતે આ ભૂલ ન કરતા: આ 3 રીતે ખાશો તો શરીર રહેશે ઠંડું

Social Share

મખાના એક એવું ‘સુપરફૂડ’ છે જે પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે. ભારતમાં મોટાભાગના લોકો મખાનાને દેશી ઘીમાં શેકીને, મીઠું કે મસાલા નાખીને ખાવાનું પસંદ કરે છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ભીષણ ગરમી અને લૂના સમયમાં મખાનાને ઘી-મસાલામાં શેકીને ખાવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘી અને મસાલાના કારણે પેટમાં ગરમી વધી શકે છે અને પાચનતંત્ર પર વિપરીત અસર પડે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગરમીમાં લૂ અને હીટવેવને કારણે પેટમાં જલ્દી ગરમી પેદા થાય છે. આવા સમયે હલકો અને આસાનીથી પચી જાય તેવો ખોરાક લેવો હિતાવહ છે. જો તમે ગરમીમાં એકસાથે બે વાટકી શેકેલા મખાના ખાઈ જાવ છો, તો તે શરીરમાં પાણી સોષી શકે છે અને ભારેપણું અનુભવી શકે છે.

મખાનાની ચટાકેદાર ચાટ

હોલિસ્ટિક ડાયેટિશિયનના મતે, મખાનાને સીધા ખાવાને બદલે તેની ‘ચાટ’ બનાવીને ખાવી જોઈએ. મખાનાની સાથે કાકડી, ટામેટા અને ડુંગળી જેવા શાકભાજી ઉમેરવાથી તેમાં ફાઈબર અને પાણીનું પ્રમાણ વધે છે. આનાથી શરીર હાઈડ્રેટ રહે છે અને મખાનાના પોષક તત્વો પણ બમણા પ્રમાણમાં મળે છે.

મખાનાનું ઠંડુગાર રાયતું

મખાનાને દહીં સાથે ખાવા એ ઉનાળા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. દહીં કુદરતી પ્રોબાયોટિક છે જે પેટને ઠંડક આપે છે. મખાના અને દહીં બંને કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાડકાં અને સ્નાયુઓ માટે પણ તે શક્તિશાળી કોમ્બિનેશન છે. તમે દહીંમાં શેકેલા મખાના અને ફુદીનો ઉમેરીને તેનું રાયતું બનાવી શકો છો.

હેલ્ધી મખાના સ્મૂધી

જો તમે ગરમીમાં પેટને એકદમ ઠંડું રાખવા માંગતા હોવ, તો મખાનાની સ્મૂધી ટ્રાય કરો. મખાનાનો પાવડર બનાવી તેને છાશમાં પલાળીને ફ્રીજમાં રાખો. લંચ સમયે આ સુપરડ્રિંક પીવાથી ગરમીમાં પણ પેટમાં ઠંડક જળવાઈ રહેશે અને શરીરમાં એનર્જી પણ રહેશે.

ઉનાળામાં પેટને ઠંડું રાખવા માટે મખાનાની સાથે બેલ (બીલી), સત્તુ અને કાકડી જેવી વસ્તુઓનો પણ આહારમાં સમાવેશ કરવો જોઈએ. સાથે જ પુષ્કળ પાણી પીવું જરૂરી છે જેથી હાઈડ્રેશન જળવાઈ રહે.

Exit mobile version