અયોધ્યા: રામ જન્મભૂમિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. મધ્યપ્રદેશના રીવા ખાતે એક કથા મહોત્સવ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 77 વર્ષના હતા. મંદિર આંદોલનમાં ડૉ. વેદાંતીનું યોગદાન અત્યંત મહત્ત્વનું રહ્યું છે. 90ના દાયકામાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરુ સ્વામી અવૈદ્યનાથ પરમહંસની સાથે મંદિર આંદોલનના અગ્રણી ચહેરાઓમાંના એક હતા. તેઓ 1996 અને 1998માં બે વખત સાંસદ પણ રહી ચૂક્યા હતા. ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનો પાર્થિવ દેહ મોડેથી અયોધ્યા પહોંચશે. મંગળવારે સવારે 10 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે. આ અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થાય તેવી સંભાવના છે.
ડૉ. વેદાંતીના નિધન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ‘એક્સ’ પર લખ્યું હતું કે, “શ્રી રામ જન્મભૂમિ આંદોલનના મુખ્ય સ્તંભ, પૂર્વ સાંસદ અને શ્રી અયોધ્યા ધામ સ્થિત વસિષ્ઠ આશ્રમના પૂજ્ય સંત ડૉ. રામવિલાસ વેદાંતીજી મહારાજના નિધનથી એક યુગનો અંત થયો છે. તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ! ધર્મ, સમાજ અને રાષ્ટ્રની સેવાને સમર્પિત તેમનું ત્યાગમય જીવન આપણા સૌ માટે પ્રેરણા છે. પ્રભુ શ્રી રામ સમક્ષ પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત શિષ્યો તથા અનુયાયીઓને આ અથાહ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.”

