Site icon Revoi.in

ગુજરાતમાં એક વર્ષમાં 1900 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડવા પોલીસનો એક્શન પ્લાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં યુવા પેઢીને નશાખોરીને રવાડે ચડતા અટકાવવા અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1900 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે તેમજ નશાનો કાળો કારોબાર કરતા અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન સહિતના દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતમાં મોટી માત્રામાં નશીલા દ્રવ્યોની ઘુસણખોરી કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ ડ્રગ્સ માફિયાઓના મલિન ઈરાદાઓ પાણી ફેરવી દીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સરહદ સાથે જોડાયેલો છે. સમગ્ર દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ગુજરાતમાં હોવાથી ડ્રગ્સ માફિયાઓ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે એકટિવ બન્યાં છે. બીજી તરફ 1600 કિમી લાંબા દરિયાકાંઠા ઉપર પોલીસ, એટીએસ સહિતની એજન્સીઓ સતત મોનીટરિંગ કરી રહી છે. તાજેતરમાં જ ભારતીય જળસીમામાંથી એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની ટીમે ઓપરેશન હાથ ધરીને 61 કિલો નશીલા દ્રવ્યો ઝડપી લઈને પાંચ ઈરાની નાગરિકોને ઝડપી લીધા હતા. ઈરાન સ્થિત આતંરરાષ્ટ્રીય ડ્રગ માફિયા ગુલામ બલોચીએ પાકિસ્તાનના પશની બંદર ઉપરથી ડ્રગ્સ મોકલ્યું હતું. આ ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠા ઉપર ઉતર્યાં બાદ ઉત્તર ભારત જવાનું હતું.

25મી એપ્રિલ 2022ના રોજ જખૌ નજીક દરિયામાંથી 1052 કરોડની કિંમતના 2.11 લાખ કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરાયો હતો. ડ્રગ્સ સાથે નવ પાકિસ્તાની ઝડપાયાં હતા. તા. 2 જૂન 2022ના રોજ ભારતીય જળસીમામાંથી રૂ. 239 કરોડની કિંમતનો હેરોઈનના જથ્થા સાત પાકિસ્તાનીઓને ઝડપી લેવાયાં હતા. 8મી ઓક્ટોબર 2022ના રોજ રૂ. 250 કરોડની કિંમતના 50 કિલો હેરોઈનના જથ્થા સાથે છ પાકિસ્તાની ઝડપાયાં હતા. ઉપરોક્ત બંને બનાવોમાં પાકિસ્તાની બોટ ઝડપી લેવામાં આવી હતી. તા. 26મી ડિસેમ્બર 2022ના રોજ રૂ. 200 કરોડની કિંમતના 40 કિલો હેરોઈનના જથ્થા પાસે 17 પાકિસ્તાની ઝડપાયાં હતા. આ બોટ બલુચિસ્તાનના પસનીના દરિયા કિનારાથી નીકળી હતી. આ મોટાભાગના બનાવોમાં પાકિસ્તાન અને ઈરાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓની સંડોવણી ખુલી હતી.

એટલું જ નહીં અવાર-નવાર જખૌના વિસ્તારમાં અવાર-નવાર ચરસના જથ્થા બિનવારસી હાલતમાં મળી આવે છે. આ પ્રકરણમાં પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં સધન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ભારતીય જળસીમામાં પણ કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ દરિયામાં થઈ શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખી રહી છે.