Site icon Revoi.in

નેપાળના રાજકારણમાં ભૂકંપ: સત્તા સંભાળ્યાના માત્ર 26 દિવસમાં ગૃહમંત્રીનું રાજીનામું

Social Share

કાઠમંડુ, 22 એપ્રિલ 2026: નેપાળની નવનિર્મિત બાલેન શાહ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સરકારની રચનાના માત્ર 26 દિવસ બાદ જ ગૃહમંત્રી સુડાન ગુરુંગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મની લોન્ડરિંગના કેસમાં વિવાદિત ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે નામ જોડાતા અને પક્ષમાં આંતરિક દબાણ વધતા ગુરુંગે આ આકરો નિર્ણય લેવો પડ્યો છે. બીજી તરફ ઝેન-જીએ નવી સરકાર સામે આંદોલન કરવાની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે

સુડાન ગુરુંગે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, “હિતોના ટકરાવને જોતા મેં પદ છોડવાનો નિર્ણય કર્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હું મારા ભવિષ્ય અંગે કોઈ નિર્ણય લઈશ.” ગુરુંગે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તપાસ ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ કોઈ પણ સરકારી પદ સંભાળશે નહીં.

નેપાળી અખબાર ‘ઈ-કાંતિપુર’ ના અહેવાલ મુજબ, સુડાન ગુરુંગનું નામ વિવાદિત વેપારી દીપક ભટ્ટ સાથે જોડાયું છે, જે હાલ મની લોન્ડરિંગની તપાસનો સામનો કરી રહ્યા છે. રાજકારણમાં આવતા પહેલા ગુરુંગ ‘હામી નેપાળ’ નામની સામાજિક સંસ્થાના વડા હતા. એવો ખુલાસો થયો છે કે ફેબ્રુઆરી ૨૦૨૫માં દીપક ભટ્ટ સાથે જોડાયેલી કંપનીઓના ખાતામાંથી આ સંસ્થાને 5 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ઘટસ્ફોટ બાદ નેપાળના રાજકારણમાં હોબાળો મચી ગયો હતો.

બાલેન શાહની પાર્ટી નેપાળમાં ‘પરિવર્તન’ અને ‘ભ્રષ્ટાચાર મુક્તિ’ ના નામે સત્તામાં આવી છે. આવી સ્થિતિમાં ગૃહમંત્રી પર જ ગંભીર આક્ષેપો લાગતા પક્ષની છબી ખરડાઈ રહી હતી. બે દિવસ સુધી ચાલેલા આંતરિક ઘમાસાણ બાદ આખરે ગુરુંગે રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે સુડાન ગુરુંગને બાલેન શાહ અને રવિ લામિછાણેના અત્યંત નજીકના માનવામાં આવે છે, પરંતુ આ મુશ્કેલીમાં કોઈ પણ નેતા તેમના બચાવમાં આવ્યા નથી.

ગૃહમંત્રી પદ સંભાળતાની સાથે જ સુડાન ગુરુંગે નેપાળના બે દિગ્ગજ નેતાઓ – પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરાવી હતી. આ બંને નેતાઓ પર સપ્ટેમ્બર 2025માં વિદ્યાર્થી આંદોલનને કચડી નાખવાનો આરોપ હતો. નેપાળના ઈતિહાસમાં આ ધરપકડો ખૂબ જ મહત્વની માનવામાં આવતી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના મેમનગરમાં સામ્રાજ્ય ફ્લેટ્સના પાર્કિંગમાં બોથડ પદાર્થ મારી વૃદ્ધની હત્યા

Exit mobile version