Site icon Revoi.in

લિપસ્ટિકની માંગ વધવાની સાથે જ અર્થશાસ્ત્રીઓનો મંદીનો અંદેશો : જાણો લિપસ્ટિક થિયરી

Social Share

નવી દિલ્હી:  વૈશ્વિક અર્થતંત્ર હાલમાં મોંઘવારી અને મંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સંકટમાં વધારો કર્યો છે. કોરોના મહામારીનો સામનો કર્યા પછી માંડ માંડ થાળે પડી રહેલી અર્થવ્યવસ્થા હવે ફરી જોખમમાં હોય એમ લાગી રહ્યું છે. વાસ્તવમાં અમેરિકા અને યુરોપમાં ફરી લિપસ્ટિકનું વેચાણ વધવા લાગ્યું છે. આ સૂચવે છે કે ફરી એકવાર આપણે મંદીનો સામનો કરવો પડી શકે છે. પ્રશ્ન એ થાય છે કે લિપસ્ટિકના વેચાણ અને મંદી વચ્ચે શું સંબંધ છે અને તે મંદી કેવી રીતે સૂચવે છે. આવી સ્થિતિમાં, અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રની સ્થિતિને સમજવા માટે ઘણા પ્રકારના આંકડા અને વલણોનો સહારો લે છે. અર્થતંત્રની સ્થિતિ સમજવા માટે આવી જ એક અસર છે લિપસ્ટિક ઇફેક્ટ.

જયારે અર્થવ્યવસ્થામાં મંદી આવે કે કોઈ બીજી રીતે આર્થિક દબાણ હોય ત્યારે સામાન્ય રીતે મહિલાઓ સૌથી પહેલાં મોંઘી વસ્તુઓ પર ખર્ચ કરવાનું બંધ કરી  દે છે. તે એવી વસ્તુઓ ખરીદે છે, જેનાથી તેમના બજેટમાં ગરબડ ના થાય અને એટલા જ બજેટમાં તેઓ પોતાનો શોખ પણ પૂરો કરી શકે અને તે આર્થિક દબાણમાંથી પોતાને બહાર લાવી પોતાનો મૂળ પણ સારો કરી શકે. લિપસ્ટિક આવી જ એક વસ્તુ છે, જે તેના વિવિધ રંગોથી મહિલાઓના મૂળને તો બદલી જ શકે છે, પણ સાથે સાથે આખા વિશ્વની અર્થવ્યવસ્થાનો રંગ પણ બદલી શકે છે! અર્થશાસ્ત્રીઓ આ વાતથી વૈશ્વિક મંદીના સંકટ તરફ ઈશારો કરી રહ્યા છે.

લિપસ્ટિકની આ વૈશ્વિક અસર વિશે સૌપ્રથમ ચર્ચા 2001ની મંદી દરમિયાન થઈ હતી. તે સમયે જોવામાં આવ્યું હતું કે અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ હોવા છતાં લિપસ્ટિકનું વેચાણ વધ્યું છે. 1929 અને 1993ની મહામંદી દરમિયાન પણ આ જ જોવા મળ્યું હતું. તેને ‘લિપસ્ટિક ઈન્ડેક્સ’ નામ આપવામાં આવ્યું હતું. આ સિદ્ધાંત મુજબ, અર્થતંત્રના સ્વાસ્થ્ય અને સૌંદર્ય પ્રસાધનોના વેચાણ વચ્ચે વિપરીત સંબંધ છે. હાલમાં મંદીના માહોલમાં આ લિપસ્ટિક થિયરી રંગ લાવી રહી છે!

(ફોટો: ફાઈલ)