આજના યુગમાં મોબાઈલ અને લેપટોપ આપણા જીવનનો અવિભાજ્ય અંગ બની ગયા છે. અભ્યાસ, ઓફિસનું કામ, મનોરંજન કે ખરીદી – બધું જ હવે સ્ક્રીન પર નિર્ભર છે. ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસના કારણે સ્ક્રીન ટાઈમમાં તોતિંગ વધારો થયો છે. પરંતુ શું તમે જાણો છો કે સતત સ્ક્રીન સામે જોવાની આ આદત માત્ર તમારી આંખો જ નહીં, પરંતુ તમારા મગજને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહી છે?
-
મગજ પર કેવી રીતે થાય છે અસર?
તબીબોના જણાવ્યા અનુસાર, “સતત સ્ક્રીન જોવાથી મગજ પર માહિતીનો બોજો વધવા લાગે છે. ડિજિટલ ડિવાઇસમાંથી નીકળતો પ્રકાશ મગજને સતત એક્ટિવ રાખે છે, જેના કારણે તેને પૂરતો આરામ મળતો નથી. લાંબા સમય સુધી સ્ક્રીન પર ફોકસ કરવાથી માનસિક થાક, ચીડિયાપણું અને એકાગ્રતામાં ઘટાડો થાય છે.”
નિષ્ણાતોના મતે, સ્ક્રીન પર ઝડપથી બદલાતી માહિતી મગજને ‘ઓવરલોડ’ કરી દે છે. આનાથી વિચારવાની અને સમજવાની ક્ષમતા પર વિપરીત અસર પડે છે. ઊંઘની પેટર્ન બગડવાથી યાદશક્તિ નબળી પડવી, નિર્ણય લેવામાં મુશ્કેલી અને ઈમોશનલ અસંતુલન જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
-
આ લક્ષણોને નજરઅંદાજ ન કરો
વારંવાર માથાનો દુખાવો થવો અને જલ્દી થાકી જવું.
કોઈ પણ કામમાં ધ્યાન ન લાગવું અને યાદશક્તિ નબળી પડવી.
નાની નાની વાતોમાં ચીડિયાપણું વધવું.
બેચેની, ગભરામણ કે ઊંઘ ન આવવાની સમસ્યા (Insomnia).
વિચારવાની પ્રક્રિયા ધીમી પડી જવી અને મગજ ભારે લાગવું.
-
બચાવ માટે શું કરવું?
મગજને સ્વસ્થ રાખવા માટે સ્ક્રીન ટાઈમ અને વાસ્તવિક જીવન વચ્ચે સંતુલન રાખવું અત્યંત જરૂરી છે. દર 30 થી 40 મિનિટે સ્ક્રીનથી દૂર જઈને આંખો અને મગજને થોડો આરામ આપો. સૂતા પહેલા ઓછામાં ઓછા એક કલાક પહેલા મોબાઈલ કે લેપટોપનો ત્યાગ કરો. દિવસ દરમિયાન થોડો સમય કુદરતી વાતાવરણમાં વિતાવો અને કસરત કરો. કામની વચ્ચે ઊંડા શ્વાસ લો અને પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો. ખાસ કરીને બાળકો અને ટીનેજર્સના સ્ક્રીન ટાઈમ પર મર્યાદા નક્કી કરો.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સુવિધા માટે વપરાતા આ સાધનો જો સ્વાસ્થ્ય માટે પડકાર બની જાય, તો સમયસર ચેતી જવું હિતાવહ છે. યોગ્ય આરામ અને સંતુલિત દિનચર્યા જ તમારા મગજને ડિજિટલ યુગમાં સુરક્ષિત રાખી શકે છે.
આ પણ વાંચોઃ કચ્છમાં સોલાર પ્લાન્ટના કેબલ ચોરીને સ્કોર્પિયોમાં જતો શખસ બનાસકાંઠાથી પકડાયો

