Site icon Revoi.in

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ મચાવ્યો આતંકઃ 14 હિન્દુ મંદિરમાં તોડફોડ

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાત્રે 14 હિંદુ મંદિરોમાં અજ્ઞાત કટ્ટરવાદીઓએ પ્રવેશીને હુમલા કરીને તોડફોડ મચાવી હતી. ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપાશ્રયમાં હિંદુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે ,અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યા હતા અને 14 મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી.

ઉપજિલ્લા પૂજા સમારોહ કાઉન્સિલના જનરલ સેક્રેટરી બર્મને જણાવ્યું હતું કે, કેટલીક મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો, કેટલીક મંદિરની નજીકના તળાવોમાં મળી આવી હતી. બર્મને કહ્યું કે હજુ સુધી ગુનેગારોની ઓળખ થઈ નથી, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તેઓ જલ્દી પકડાઈ જાય.

હિંદુ સમુદાયના નેતા અને સંઘ પરિષદના પ્રમુખ સમર ચેટર્જીએ જણાવ્યું હતું કે આ વિસ્તાર હંમેશાથી આંતર-ધાર્મિક સૌહાર્દના ક્ષેત્ર તરીકે ઓળખાય છે કારણ કે અહીં અગાઉ આવી કોઈ ઘૃણાસ્પદ ઘટના બની નથી.

તેમણે કહ્યું કે, મુસ્લિમ સમુદાય (બહુમતી)નો અમારી (હિંદુઓ) સાથે કોઈ વિવાદ નથી… અમે સમજી શક્યા નથી કે આ હુમલા પાછળ કોણ છે. બલિયાડાંગી પોલીસ સ્ટેશનના ઓફિસર-ઈન્ચાર્જ ખૈરુલ અનમે જણાવ્યું હતું કે હુમલા શનિવારે રાત્રે અને રવિવારે વહેલી સવારે કેટલાક ગામોમાં થયા હતા.

ઠાકુરગાંવ પોલીસ વડા જહાંગીર હુસૈને પત્રકારોને જણાવ્યું હતું કે, “દેશની શાંતિપૂર્ણ પરિસ્થિતિને ખલેલ પહોંચાડવા માટે આ એક સુનિયોજિત હુમલાનો મામલો હોવાનું સ્પષ્ટ જણાય છે.” તેમણે કહ્યું કે પોલીસે આરોપીઓને શોધવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કટ્ટરવાદીઓએ કેટલાક હિન્દુ મંદિરો અને હિન્દુઓ ઉપર હુમલા કર્યાં હતા. પરંતુ આવા બનાવો અટકવાનું નામ નથી લેતું, બીજી તરફ લઘુમતી હિન્દુ કોમમાં ભય ફેલાયો છે.