Site icon Revoi.in

આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાનમાં પ્રજાની સાથે પ્રાણીઓની હાલત દયનીય બની

Social Share

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાંથી નીકળી રહેલા પાકિસ્તાનમાં સરકાર પ્રજાને રાહત આપવામાં સફળ રહી નથી, હવે જીવન જરુરી ચીજવસ્તુઓની અભાવની અસર માણસોની સાથે મુંગા પશુઓ ઉપર પણ પડી રહી છે. ગરીબ પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ છે કે પ્રાણીઓને પણ ખોરાક નથી મળી રહ્યો. અત્યાર સુધી માણસો લોટ માટે લડતા જોવા મળતા હતા, પરંતુ નવા ખુલાસાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.

કરાચી ઝૂમાં રાખવામાં આવેલા પ્રાણીઓની ભયાનક હાલતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો પ્રાણી સંગ્રહાલય પ્રશાસન અને પાકિસ્તાન સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. પ્રાણી સંગ્રહાલયની હાલત ત્યારે સામે આવી જ્યારે ત્યાં નૂરજહાં નામના હાથીની તબિયત બગડી છે. આ હાથીની થોડા મહિના પહેલા સર્જરી કરવામાં આવી હતી, પરંતુ તેને પૂરતી સંભાળ રાખી શકાતી નથી.

જનઆક્રોશ બાદ, પાકિસ્તાનના ફેડરલ મિનિસ્ટર ફોર ક્લાઈમેટ ચેન્જ શેરી રહેમાને પ્રાંતીય સરકારને જંગલી પ્રાણીઓની સંભાળ રાખવાની ક્ષમતાના અભાવને કારણે પ્રાણી સંગ્રહાલયને બંધ કરવા વિનંતી કરી છે. વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ પ્રાણીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આ મંત્રીનું સમર્થન મળ્યા બાદ સિંધ સરકાર આ પ્રસ્તાવને સ્વીકારે તેવી શક્યતા છે. આ ઉપરાંત, હાલના પ્રાણીસંગ્રહાલયોને બોટનિકલ ગાર્ડન અને જંગલી પ્રજાતિઓ માટે બચાવ અને પુનર્વસન કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાની દરખાસ્તો કરવામાં આવી છે.