કહેવાય છે કે જો માણસનું પેટ સાફ અને સ્વસ્થ હોય, તો અડધી બીમારીઓ આપોઆપ દૂર થઈ જાય છે. પરંતુ આજની બેઠાડુ અને અનિયમિત જીવનશૈલીને કારણે ભૂખ ન લાગવી, ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ હવે દરેક ઉંમરના લોકોમાં સામાન્ય બની ગઈ છે. જ્યારે દવાઓ કામ કરવાનું બંધ કરે, ત્યારે પ્રકૃતિ પાસે એક અદભૂત ઈલાજ છે , ‘ઉપવાસ’.
- ઉપવાસ: સજા નહીં, પણ શરીર માટે ઔષધિ
ઘણા લોકો ઉપવાસને ભૂખ્યા રહેવાની સજા માને છે, પરંતુ વાસ્તવમાં તે શરીરને અંદરથી સાફ કરવાની એક કુદરતી પ્રક્રિયા છે. દવાઓ રોગના લક્ષણોને દબાવે છે, જ્યારે ઉપવાસ શરીરના પાચનતંત્રને આરામ આપી તેને ફરીથી કાર્યરત કરવામાં મદદ કરે છે.
- પાચનતંત્રની ઊંડી સફાઈ
જ્યારે આપણે ખોરાક લેવાનું બંધ કરીએ છીએ, ત્યારે શરીર તેની ઊર્જા પાચન કરવાને બદલે શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં વાપરે છે. આનાથી પેટનો ભારેપણો દૂર થાય છે અને પાચનશક્તિ તેજ બને છે.
- ઉપવાસ કરવાની સાચી રીત
નિષ્ણાતોના મતે ઉપવાસની શરૂઆત ધીરે-ધીરે કરવી જોઈએ:
એકાદશીથી શરૂઆત: મહિનામાં બે વાર આવતી એકાદશી ઉપવાસ માટે શ્રેષ્ઠ ગણાય છે. 15 દિવસે એકવાર પાચનતંત્રને આરામ આપવો જરૂરી છે.
ફળાહાર: શરૂઆતમાં સંપૂર્ણ ભૂખ્યા રહેવાને બદલે ફળો લેવા જોઈએ. યાદ રાખો, ફળ પેટ ભરવા માટે નહીં પણ માત્ર ઉર્જા માટે લેવા.
પ્રવાહીનું સેવન: મધવાળું પાણી, નાળિયેર પાણી અને સાદું પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ, જેથી શરીરમાંથી કચરો સરળતાથી બહાર નીકળી શકે.
મોટાભાગના લોકો ઉપવાસ કરવાથી નબળાઈ આવશે તેવા ડરથી ડરતા હોય છે. પરંતુ સત્ય એ છે કે શરીરને ખોરાકમાંથી માત્ર 30-40 ટકા ઉર્જા મળે છે, બાકીની ઉર્જા હવા, પાણી અને આરામથી પ્રાપ્ત થાય છે. એક દિવસના ઉપવાસથી શરીર નબળું પડતું નથી, પણ વધુ સ્ફૂર્તિલું બને છે.
- વૈજ્ઞાનિક પુષ્ટિ: ‘ઓટોફેગી’ પ્રક્રિયા
ઉપવાસના ફાયદા માત્ર ધાર્મિક માન્યતા નથી. 2018માં જાપાનના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં સાબિત થયું છે કે ઉપવાસ દરમિયાન શરીરની અંદર ‘ઓટોફેગી’ નામની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાં શરીર પોતાની અંદર રહેલી ખરાબ અને નબળી કોશિકાઓને ખાઈ જાય છે અને નવી, સ્વસ્થ કોશિકાઓનું નિર્માણ કરે છે.
આમ, ઉપવાસ એ માત્ર આસ્થાનો વિષય નથી, પણ વિજ્ઞાન આધારિત સ્વાસ્થ્ય રક્ષક પદ્ધતિ છે. જો તમે પણ પેટની સમસ્યાઓથી કાયમી છુટકારો મેળવવા માંગતા હોવ, તો ઉપવાસને તમારી જીવનશૈલીનો હિસ્સો બનાવો.

