28 ફેબ્રુઆરી 2026ની સાંજ વિશે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં અચરજ પમાડે એવા વીડિયો અને રીલ્સ વાયરલ થઈ રહ્યા છે. ક્યાંક આકાશમાં સીધી લીટીમાં ચમકતા ગ્રહો દર્શાવવામાં આવે છે, ક્યાંક ગ્રહો એકબીજાની બાજુમાં જાણે દોરામાં ગૂંથાયેલા મણકાંની જેમ દેખાડવામાં આવે છે, તો ક્યાંક આકાશ આખું રંગબેરંગી ગોળાઓથી ભરેલું બતાવવામાં આવે છે.
અહીં ફોટામાં દેખાય છે તે દૃશ્યો આકર્ષક છે પરંતુ વાસ્તવિકતા એવી નથી. 28 ફેબ્રુઆરી 2026ની “પ્લેનેટરી એલાઇનમેન્ટ” એક સુંદર ખગોળીય ઘટના છે, પરંતુ તે સોશિયલ મીડિયામાં દેખાડવામાં આવે છે તે રીતે નહીં.
ચાલો, સાચી વૈજ્ઞાનિક સમજ સાથે જાણીએ કે ખરેખર શું જોવા મળશે?
સૌ પ્રથમ “પ્લેનેટરી એલાઇનમેન્ટ” એટલે શું? જ્યારે પૃથ્વી પરથી જોતા ઘણા ગ્રહો આકાશમાં એક જ દિશામાં અથવા સૂર્યના “એક્લિપ્ટિક” માર્ગની આસપાસ ગોઠવાયેલા દેખાય ત્યારે તેને પ્લેનેટરી એલાઇનમેન્ટ કહેવાય.
અહીં “સીધી લાઇન”નો અર્થ શાબ્દિક રીતે સીધી રેખા નથી. હકીકતમાં દરેક ગ્રહ લાખો-કરોડો કિલોમીટર દૂર, પોતાની પોતાની કક્ષામાં, સૂર્યની આસપાસ ભ્રમણ કરી રહ્યા હોય છે. પરંતુ કારણ કે બધા ગ્રહો લગભગ એક જ સમતલ પર ભ્રમણ કરે છે, એટલે પૃથ્વી પરથી જોતા તેઓ આકાશના એક જ પટ્ટામાં દેખાય છે. નીચે આપેલા ફોટામાં એ દિવસે દરેક ગ્રહો વચ્ચે વાસ્તવિક અંતર કેટલું છે તે બતાવેલું છે.
28 ફેબ્રુઆરી 2026ની સાંજે સૂર્યાસ્ત પછી પશ્ચિમથી દક્ષિણ–પશ્ચિમ દિશામાં તમને છ ગ્રહો જોવા મળશે – Mercury (બુધ), Venus (શુક્ર), Saturn (શનિ), Neptune (નેપ્ચ્યુન), Uranus (યુરેનસ) અને Jupiter (ગુરુ). પરંતુ અહીં મહત્વની વાત એ છે કે આ બધા ગ્રહો નગ્ન આંખે એકસરખા સ્પષ્ટ દેખાશે નહીં.
સોશિયલ મીડિયામાં જે દેખાડવામાં આવે છે તે મુજબ આકાશમાં મોટા અને તેજસ્વી ગોળા એકદમ નજીક-નજીક દેખાશે એ દૃશ્ય સંપૂર્ણ ખોટું છે. વાસ્તવમાં ગ્રહો આકાશમાં વિશાળ વિસ્તાર પર ફેલાયેલા હશે. તમને એક દિશામાં, એક પટ્ટામાં, અલગ-અલગ ઊંચાઈએ તેમને શોધવા પડશે. કોઈ પણ ગ્રહ આકાશમાં ચંદ્ર જેટલો મોટો કે રંગીન ગોળા તરીકે દેખાશે નહીં. તેઓ તારાની જેમ નાની તેજબિંદુ તરીકે જ દેખાય છે.
સૌથી પહેલા નજરમાં ચડશે શુક્ર. શુક્ર −3.8 મેગ્નિટ્યુડ જેટલો તેજસ્વી હોઈ શકે છે અને સૂર્ય તથા ચંદ્ર પછી આકાશમાં ત્રીજો સૌથી તેજ પદાર્થ છે. તે “સાંજનો તારો” તરીકે ચમકતો દેખાશે. તેની નીચે અથવા નજીકના પટ્ટામાં બુધ હશે, પરંતુ બુધ ખૂબ નીચો અને ટૂંકા સમય માટે જ દેખાશે. સૂર્યાસ્ત પછી માત્ર 30–40 મિનિટમાં તે ક્ષિતિજની નજીક અદૃશ્ય થઈ શકે છે. એટલે જો બુધ જોવો હોય તો ખૂબ જ સ્વચ્છ ક્ષિતિજ અને યોગ્ય સમય જરૂરી છે.
ગુરુ આકાશમાં થોડો ઊંચો અને ખૂબ તેજસ્વી દેખાશે. −2.3 મેગ્નિટ્યુડ સાથે તે સ્પષ્ટ દેખાશે અને બાઇનોક્યુલરથી તેના ચાર ગેલિલિયન ઉપગ્રહો પણ જોઈ શકાય. આ ઉપગ્રહોની શોધ 1610માં Galileo Galilei એ કરી હતી.
શનિ નરી આંખે દેખી શકાય છે, પરંતુ તેની તેજસ્વિતા માત્ર +1 મેગ્નિટ્યુડ આસપાસ હશે. તેના સુંદર વલયો જોવા માટે ઓછામાં ઓછું 100 મી.મી. ડાયામીટરનું ટેલિસ્કોપ જરૂરી રહેશે. 2025–26 દરમિયાન તેની વલય પ્રણાલી પૃથ્વી સાથેની ગોઠવણીને કારણે “એજ-ઓન” સ્થિતિમાં છે, એટલે ક્યારેક તે પાતળી લીટી જેવી દેખાઈ શકે છે. સોશિયલ મીડિયા જેવી વિશાળ રિંગ્સ નહીં!
કેવી રીતે જોઈ શકાશે આ દૃશ્ય?
યુરેનસ અને નેપ્ચ્યુન માટે બાઇનોક્યુલર અથવા ટેલિસ્કોપ જરૂરી છે. નેપ્ચ્યુન +8 મેગ્નિટ્યુડ હોવાથી નરી આંખે દેખાવું લગભગ અશક્ય છે. યુરેનસ +5.7 મેગ્નિટ્યુડ હોવાથી આકાશમાં ખૂબ અંધારું હોય તો બાઇનોક્યુલરથી જોઈ શકાય. એટલે “છ ગ્રહો એકસાથે ચમકતા” દૃશ્યનો અર્થ એ નથી કે તમે એક નજરમાં છ તેજસ્વી ગોળા જોઈ શકશો.
સોશિયલ મીડિયા પર ઘણીવાર ગ્રહોને એકદમ નજીક-નજીક, એક જ ફ્રેમમાં, તેજસ્વી અને વિશાળ કદમાં બતાવવામાં આવે છે. હકીકતમાં આકાશ 180 ડિગ્રી જેટલા વિસ્તાર ધરાવે છે. ગ્રહો વચ્ચેનો કોણીય અંતર ઘણા ડિગ્રી હોઈ શકે છે. તમે તેમને જોવા માટે માથું ફેરવવું પડશે. કોઈ “ચમકતી સીધી રેખા” આકાશમાં દોરી જેવી દેખાશે નહીં.
આ દિવસે ચંદ્ર લગભગ 92% પ્રકાશિત વધતા ગિબસ અવસ્થામાં પૂર્વ આકાશમાં ઊંચે હશે. એટલે પશ્ચિમમાં ગ્રહો અને પૂર્વમાં તેજસ્વી ચંદ્ર એમ બંને સાથે જોવા મળશે. પરંતુ ચંદ્રની નજીકના તારાગુચ્છોને જોવા માટે બાઇનોક્યુલર જરૂરી રહેશે.
ફોટોગ્રાફી કેવી રીતે કરશો?
ફોટોગ્રાફી બાબતે પણ ગેરસમજ છે. મોબાઇલથી ઝૂમ કરીને તમે ગ્રહોને મોટા ગોળા તરીકે કેદ કરી શકશો એવી અપેક્ષા ન રાખો. વાઇડ એંગલ લેન્સ (24–35 mm), ટ્રાઇપોડ અને 5–10 સેકંડ એક્સ્પોઝર સાથે સુંદર દૃશ્ય કેદ કરી શકાય છે, પરંતુ ગ્રહો નાના તેજબિંદુ તરીકે જ દેખાશે. જો foregroundમાં વૃક્ષ, મંદિર, ટાવર કે ક્ષિતિજનો દૃશ્ય ઉમેરશો તો ફોટોગ્રાફ વધુ કલાત્મક બની શકે.
આ ઘટના માત્ર 28 ફેબ્રુઆરીએ જ જોવા મળશે એવું નથી. ફેબ્રુઆરી અંતથી માર્ચ શરૂઆત સુધી થોડા ફેરફાર સાથે આ ગોઠવણી જોઈ શકાય છે. ગ્રહો ધીમે ધીમે ખસે છે, એટલે દરરોજ સાંજે દૃશ્ય થોડું બદલાશે. એટલે એક જ દિવસે દોડધામ કરવાની જરૂર નથી.
આ પણ વાંચોઃ વેસ્ટ મુક્ત અમદાવાદ માટે AMCની મોટી પહેલ, એક કોલ પર ઘરેથી જ ઉઠાવશે બાંધકામ કચરો
ખગોળવિજ્ઞાન આપણને શીખવે છે કે દૃશ્યભ્રમ અને વાસ્તવિકતા વચ્ચે તફાવત સમજવો જરૂરી છે. બ્રહ્માંડમાં બધું જ વિશાળ છે, અંતર અણમાપ છે, અને ગતિ અવિરત છે. “પ્લેનેટરી પરેડ” શબ્દ આકર્ષક છે, પરંતુ આકાશમાં કોઈ સૈનિકોની જેમ કતારમાં ઉભેલા ગ્રહો દેખાવાના નથી.
28 ફેબ્રુઆરી 2026ની સાંજ એક વૈજ્ઞાનિક અવસર છે. ઉત્સુકતા, નિરીક્ષણ અને સમજણનો. બાળકો માટે પ્રેરણા, ફોટોગ્રાફરો માટે સર્જનાત્મક પળ અને ખગોળપ્રેમીઓ માટે આનંદ. પરંતુ તેને અતિરંજિત કલ્પનાઓથી નહીં પણ સાચી વૈજ્ઞાનિક દૃષ્ટિથી માણો.

