Site icon Revoi.in

કચ્છમાં મુન્દ્રાના ગુંદાલા ગામ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં ત્રણ મહિલાઓ સહિત પાંચના મોત

Social Share

ભૂજ :  કચ્છમાં મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ નજીકથી નર્મદાની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા  આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.  દુર્ઘટના બાદ પાંચેય મૃતદેહો  કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગરીબ શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામની નર્મદા કેનાલમાં ડૂબી જતા એક જ પરિવારના પાંચના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક લોકોએ કેનાલમાંથી તમામ મૃતદેહ બહાર કાઢ્યા હતા. હોસ્પિટલ પર મૃતકોના પરિવારજનો પહોંચતા આક્રંદ છવાયો હતો. પોલીસે આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા કેનાલ નજીક ખેતરમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારના પાંચ લોકો કોઈ કારણોસર કેનાલમાં ડૂબી ગયા હતા. જેની જાણ આસપાસના લોકોને થતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, અને તરવૈયાની મદદથી  મૃતદેહો ને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં રાજેશ ખીમજી, કલ્યાણ દામજી, હીરાબેન કલ્યાણ, રસિલા દામજી, સવિતાબેનનો સમાવેશ થાય છે.  આ ઘટના કેવી રીતે બની તેની માહિતી હજુ જાણવા મળી નથી. પરંતુ દુર્ઘટનામાં શ્રમજીવી પરિવારના ત્રણ મહિલા અને બે પુરુષોના મોત નિપજ્યા છે. મૃતકો કેનાલમાં નહાવા પડ્યા હોય એવું હાલ અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ શ્રમજીવી પરિવારમાં આક્રંદ છવાયુ હતું, આ ઘટના કેવી રીતે બની અને કેવી રીતે પાંચેય લોકો મોતને ભેટ્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ પરિવાર ખેતરમાં મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. (file photo)