Site icon Revoi.in

વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરઃ નદી કિનારાના ગામોમાંથી 350નું સ્થળાંતર

Social Share

અમદાવાદઃ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરે તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની 6 ટીમ અને  NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી, દરમિયાન ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડ શહેરના નદી કિનારે આવેલા બરૂડિયાવાડ, કાશ્મીર નગર, લીલાપોર, તરિયાવાડ, મોગરાવાડી છતરિયા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સાવચેતીના પગલારૂપે વહીવટીતંત્ર દ્વારા NDRFની સહાયથી આશરે ૩૫૦ જેટલા લોકોને સલામત સ્થળે સ્થાળાંતરિત કરાયા હતા.

વલસાડ પારડી પ્રાથમિક શાળા ખાતે સ્થાળાંતરિત કરેલા લોકોને આરોગ્ય સેવા તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાળાંતરિત કરાયેલ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સુચનો કર્યા હતા. કલેક્ટરએ જણાવ્યું હતું કે, ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પૂરની પરિસ્થિતી સર્જાઈ હતી અને દરિયામાં ભરતીને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને કારણે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. જિલ્લા વહીવટી તંત્રએ સ્થળ પર હાજર રહી નગરપાલિકાની 6 ટીમ અને NDRFની 1 ટીમ સતત સ્થળાંતર અને રેસ્ક્યુ કરી રહી હતી. જ્યાં સુધી પરિસ્થિતી પાણી ન ઉતરે ત્યાં સુધી એમને સલામત સ્થળે રાખવામાં આવશે અને ઘરવખરીને થયેલા નુકશાનનો સર્વે કરવા માટે ટીમ પણ મોકલવામાં આવશે.

લીલાપોર ખાતે ઔરંગા નદીમાં રેતી કાઢતા મજૂરો નદીની મધ્યે ફસાતા NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઉપરાંત એક વ્યક્તિનું આરોગ્ય કથળતા તેમને પણ સલામત રીતે બહાર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલાયા હતા. તેમજ કાશ્મીર નગર ખાતે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું  NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું