Site icon Revoi.in

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું છે. 86 વર્ષની ઉંમરના મનોહર જોશીને હાર્ટ એટેલને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર મુંબઈની પીડી હિંદુજા હોસ્પિટલમાં ચાલતી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હતી. દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર પહેલા અંતિમ દર્શન માટે મોટુંગા સ્થિત નિવાસસ્થાને તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીના નિધનને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીને 21મી ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ હાર્ટ એટેક આવ્યો હતો અને તેમની હાલત ગંભીર હતી. તબીબોની નજર હેઠળ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. તેમજ તેમને સર્વોચ્ચ તબીબી સેવા આપવામાં આવી હતી.

દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મનોહર જોશી 2002 થી 2004 સુધી લોકસભાના સ્પીકર પણ હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે મનોહર જોશીએ રાજ્યની પ્રગતિ માટે અથાક મહેનત કરી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકસભા અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, મનોહર જોશીએ આપણી સંસદીય પ્રક્રિયાઓને વધુ ગતિશીલ અને સહભાગી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મનોહર જોશીજીના નિધનથી વ્યથિત છું. તેઓ એક પીઢ નેતા હતા જેમણે જાહેર સેવામાં વર્ષો વિતાવ્યા હતા અને મ્યુનિસિપલ, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. મહારાષ્ટ્રના સીએમ તરીકે તેમણે રાજ્યની પ્રગતિ માટે અથાક મહેનત કરી હતી. તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. લોકસભા અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે આપણી સંસદીય પ્રક્રિયાઓને વધુ ગતિશીલ અને સહભાગી બનાવવાનો પ્રયાસ કર્યો. મનોહર જોશીજીને ધારાસભ્ય તરીકેના તેમના ખંત માટે પણ યાદ કરવામાં આવશે, જેમને ચારેય વિધાનસભામાં સેવા આપવાનું સન્માન મળ્યું હતું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”