મુંબઈ, 22 મે 2026: મહારાષ્ટ્રના ચંદપુર જિલ્લામાં વાઘે હુમલો કરીને ચાર મહિલાઓને મારી નાખી હોવાનું જાણવા મળે છે. આ મહિલાઓ સવારે તેંદૂના પત્તા એકત્ર કરવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી. આ બનાવની જાણ થતા વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાઘના હુમલામાં ચાર મહિલાના મોતને પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સિંદેવાહી તાલુકાના ગુંજેવાહી ગામ નજીક મહિલાઓનું એક જૂથ તેંદૂના પત્તા એકત્ર કરવા માટે જંગલમાં ગઈ હતી. આ પત્તાનો ઉપયોગ બીડી બનાવવામાં થાય છે. મહિલાઓ આ પત્તા એકત્ર કરવામાં વ્યસ્ત હતી ત્યારે અચાનક ઘસી આવેલા વાઘે હુમલો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં એક-બે નહીં પરંતુ ચાર મહિલાઓના મોત થયાં હતા. મૃતકોમાં કાવાદાબાઈ મોહુરલે (ઉ.વ. 45), અનીતાબાઈ મોહુરલે (ઉ.વ. 40), સુનીતા મોહુરલે (ઉ.વ. 38) અને સંગીતા ચૌધરી (ઉ.વ. 50)નો સમાવેશ થાય છે. આ તમામ મહિલાઓ ગુંજેવાહીની રહેવાસી હોવાનું જાણવા મળે છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, વાઘે તમામ મહિલાઓને એક સ્થળ અને સમય ઉપર માર્યા કે અલગ-અલગ સમય અને સ્થળ પર. આ બનાવની જાણ થતા વનવિભાગની એક ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

