Site icon Revoi.in

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તારીખ જાહેરઃ 3 ઓક્ટોબરે યોજાશે મતદાન

Social Share

અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ ઘટતા ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. તા. 3 ઓક્ટોબરના રોજ મનપાની ચૂંટણી યોજાશે અને તા. 5મી ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એપ્રિલ મહિનામાં આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, કોરોના વાયરસની બીજી લહેરના કારણે મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવતા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી મોકુફ રાખવા વિનંતી કરી હતી. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવામાં આવી હતી. જો કે, હવે કોરોનાના કેસ ખુબ જ ઓછા આવી રહ્યાં છે. જેથી ચૂંટણીપંચ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગર પાલિકાની સાથે ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકાની પણ ચૂંટણી જાહેર થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોએ પણ ચૂંટણીપ્રચારની રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસની સાથે કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યાં છે. જેથી ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. થોડા મહિનાઓ અગાઉ જ અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસનું ભારે ધોવાણ થયું હતું. આ ઉપરાંત સુરતમાં આમ આદમી પાર્ટીને મતદારોએ આવકારી હતી. જેથી ગાંધીનગર મનપાની ચૂંટણી ઉપર તમામ લોકોની નજર મંડાયેલી છે.

(Photo-File)