Site icon Revoi.in

ગુજરાતમાં ભારત બંધની નહિવત અસર, દેખાવકારોની કરાઈ અટકાયત

Social Share

અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિબિલના વિરોધમાં ખેડૂતોએ આપેલા ભારત બંધની અસર ગુજરાતમાં નહિંવત જોવા મળી હતી. દરમિયાન કૃષિ બિલના વિરોધમાં રાજ્યમાં અનેક સ્થળો ઉપર કોંગ્રેસના નેતા-કાર્યકરોએ દેખાવો કર્યો હતો. પોલીસે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓની અટકાયત કરી હતી. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં મોટાભાગના માર્કેટયાર્ડ ખુલ્લા રહ્યાં હતા. તેમજ અમદાવાદમાં પણ મોટાભાગની ઓફિસ ખુલી રહી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા, સુરત અને દક્ષિણ ગુજરાતમાં બંધને આંશિક સમર્થન મળ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નબળું સમર્થન મળ્યું છે. જ્યારે ભારતીય કિસાન સંઘે ભારત બંધને સમર્થન નહીં આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જ્યારે પેટ્રોલપંપ એસોસિએશન પણ બંધમાં જોડાયું ન હતું. વડોદરાના જાંબુઆ-તરસોલી હાઈવે પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હાઈવે પર કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે અમદાવાદ-કચ્છ હાઈવે પર ટાયર સળગાવી કોંગ્રેસી કાર્યકરોએ હાઈવે પર જામ કર્યો હતો.

નવસારીમાં APMC બંધ કરાવવા જતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની અટકાયત કરાઈ છે, આ સિવાય રાજકોટના મહિલા કોગ્રેસ પ્રમુખની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદમાં કોંગ્રેસના એક નેતાને નજર કેદ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કાર્યકરો સાથે દુકાનો બંધ કરાવવા નીકળ્યાં હતા. દરમિયાન પોલીસે પરેશ ધાનાણીની પણ અટકાયત કરી હતી. બોટાદમાં બંધના એલાનને હિરાના વેપારીઓએ સમર્થન આપ્યું હતું. હિરાબજાર બંધ રહ્યું હતું. રાજ્યભરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.