ઉનાળાની કાળઝાળ ગરમી અને બફારામાં જો ઠંડી-ઠંડી ચોકોબાર આઈસ્ક્રીમ મળી જાય તો મજા પડી જાય! ઘણીવાર સાંજે કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય ત્યારે બહાર જવાનું આળસ આવે છે. મોટાભાગના લોકો ઘરે આઈસ્ક્રીમ તો બનાવી લે છે, પણ ચોકોબાર બનાવવી અઘરી લાગે છે, કારણ કે તેની ઉપરનું ચોકલેટ લેયર પરફેક્ટ નથી બનતું. આ સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી ફોલો કરીને તમે ઘરે જ આઈસ્ક્રીમ પાર્લર જેવી ક્રંચી અને સોફ્ટ ચોકોબાર બનાવી શકો છો.
ચોકોબાર માટે જરૂરી સામગ્રી
ડાર્ક ચોકલેટ (55%): 1 કપ (ઝીણી સમારેલી)
નાળિયેર તેલ: 1 મોટી ચમચી
વ્હીપિંગ ક્રીમ (ખાંડ વગરની): અડધો કપ
વેનીલા એસેન્સ: થોડા ટીપાં
કન્ડેન્સ્ડ મિલ્ક: 1/4 કપ
બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં પાણી ગરમ કરો અને તેના પર બીજું વાસણ રાખીને (ડબલ બોઈલર પદ્ધતિ) ડાર્ક ચોકલેટને ઓગાળો. ચોકલેટ ઓગળે એટલે તેમાં નાળિયેર તેલ ઉમેરો. તેલ ઉમેરવાથી ચોકલેટમાં ચમક આવશે અને લેયર તૂટશે નહીં. ચોકોબારનો શેપ આપવા માટે નાના ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક ગ્લાસ લો. ગ્લાસની ઉપરની બાજુએ કાતરથી નાનો કટ લગાવો (જેથી પછીથી ગ્લાસ સરળતાથી ફાડી શકાય). ઓગળેલી ચોકલેટને ગ્લાસમાં નાખીને ચારે બાજુ ફેરવો જેથી અંદરનું પડ ચોકલેટથી કોટ થઈ જાય. હવે આ ગ્લાસને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દો. એક બાઉલમાં ઠંડી વ્હીપિંગ ક્રીમ લો અને તેમાં વેનીલા એસેન્સ ઉમેરો.
ક્રીમ ઘટ્ટ અને ફ્લફી થાય ત્યાં સુધી તેને ફેંટો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને ફરીથી થોડું મિક્સ કરી લો. ફ્રીઝરમાંથી ચોકલેટ કોટેડ ગ્લાસ બહાર કાઢો. તેમાં તૈયાર કરેલું ક્રીમનું મિશ્રણ ઉપર સુધી ભરો (થોડી જગ્યા ખાલી રાખવી). હવે ગ્લાસને સિલ્વર ફોઈલથી કવર કરો અને વચ્ચે કાપો પાડીને આઈસ્ક્રીમ સ્ટિક લગાવો. તેને ઓછામાં ઓછા 4 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દો. આઈસ્ક્રીમ સેટ થઈ જાય એટલે બહાર કાઢી ઉપરની ખાલી જગ્યામાં બાકી રહેલી ઓગળેલી ચોકલેટનું પડ લગાવો. અંદર આઈસ્ક્રીમ ઠંડો હોવાથી આ પડ તરત જ જામી જશે. હવે ગ્લાસને સાઈડમાંથી ફાડીને કાઢી લો. તમારી હોમમેડ ચોકોબાર તૈયાર છે!
ખાસ ટિપ્સ:
ક્રંચી ટેસ્ટ: જો તમને આઈસ્ક્રીમમાં ક્રંચ ગમતો હોય તો ક્રીમના મિશ્રણમાં ચોકલેટ ચિપ્સ ઉમેરી શકાય.
કુલ્ફી ટ્વિસ્ટ: જો વ્હીપિંગ ક્રીમ ન વાપરવી હોય તો દૂધને ઉકાળીને ઘટ્ટ કરી, તેમાં કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર નાખીને ‘કુલ્ફી ચોકોબાર’ પણ બનાવી શકાય છે.
ડબલ કોટિંગ: જો તમને ચોકલેટનું જાડું પડ ગમતું હોય, તો આઈસ્ક્રીમ તૈયાર થયા પછી તેને આખી ઓગળેલી ચોકલેટમાં એકવાર ડીપ કરી લો.

