Site icon Revoi.in

એનર્જી ડ્રિંક્સ પર સરકારની સખ્તી: FSSAIની દેશવ્યાપી તપાસમાં હજારો ખાદ્ય નમૂનાઓ અયોગ્ય સાબિત થયા

Social Share

નવી દિલ્હી, 1 ઓગસ્ટ 2026: બજારમાં એનર્જી ડ્રિંક્સ અને વધુ કેફીન ધરાવતા પીણાંના વધી રહેલા વપરાશ વચ્ચે કેન્દ્ર સરકારે કડક દેખરેખ અને સઘન નિયંત્રણો શરૂ કર્યા છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા એક સત્તાવાર જવાબમાં સરકારે જણાવ્યું છે કે, ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ મંડળ (FSSAI) દ્વારા નિયમિતપણે ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા તપાસવામાં આવી રહી છે, લેબલિંગના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભેળસેળ વિરોધી વિશેષ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં સામે આવેલા ખાદ્ય નમૂના (સેમ્પલ) ના આંકડાઓએ ચિંતામાં વધારો કર્યો છે.

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશભરમાંથી કુલ 2,23,808 ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં તપાસવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી 40,023 નમૂનાઓ નિર્ધારિત ધોરણો પર ખરા ઉતર્યા નહોતા અને અયોગ્ય જાહેર થયા હતા. આ ગંભીર કેસોમાં 31,878 સિવિલ કેસોમાં દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે 1,918 ફોજદારી (ક્રિમિનલ) કેસોમાં કસૂરવાર સાબિત થતાં દોષીઓને સજા થઈ છે.

FSSAI દ્વારા અગાઉથી જ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે ફૂડ સેફ્ટી કાયદાકીય માળખામાં ‘હેલ્થ ડ્રિંક’ નામની કોઈ અધિકૃત કેટેગરી અસ્તિત્વમાં નથી. આ આદેશ બાદ તમામ પ્રમુખ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રોડક્ટને ખોટી અને ભ્રામક કેટેગરીમાં પ્રદર્શિત ન કરે, પરંતુ તેને યોગ્ય અને કાયદેસરની ખાદ્ય શ્રેણીમાં જ સ્થાન આપે.

બજારમાં ઉપલબ્ધ એનર્જી ડ્રિંક્સ અને કેફીનયુક્ત પેય પદાર્થોની ગુણવત્તા નિયંત્રિત કરવા માટે સરકારે સ્પષ્ટ ધોરણો નક્કી કર્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, કોઈપણ કેફીનયુક્ત પેયમાં કેફીનની માત્રા 145 થી 300 મિલિગ્રામ પ્રતિ લીટર સુધી જ હોવી જોઈએ. આ પ્રકારની દરેક પ્રોડક્ટની બોટલ કે કેન પર સ્પષ્ટ ચેતવણી લખવી અનિવાર્ય છે કે, “એક દિવસમાં 500 મિલિગ્રામથી વધુ સેવન કરવું નહીં.”

દેશમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને ડામવા માટે FSSAI દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સરકારે જણાવ્યું કે સંસ્થાન દ્વારા #NoToAdulteration અભિયાન સક્રિયપણે ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ‘ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ’, રપીડ ટેસ્ટ કિટ, ડાર્ટ બુકલેટ અને મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીઝના માધ્યમથી તાત્કાલિક ધોરણે ભેળસેળની તપાસ કરવામાં આવી રહી છે અને સામાન્ય જનતામાં જાગૃતિ ફેલાવવાનું કામ ચાલી રહ્યું છે.

સંસદમાં એવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે શું ભેળસેળયુક્ત એનર્જી ડ્રિંક્સ અને વધુ માત્રામાં કેફીનનું સેવન કરવાથી કેન્સર, લકવો અને હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે? આ સવાલના જવાબમાં સરકારે સ્પષ્ટ કર્યું કે હાલમાં આવા પીણાં અને ઉપરોક્ત ગંભીર બીમારીઓ વચ્ચે સીધા વૈજ્ઞાનિક સંબંધો હોવાની કોઈ સત્તાવાર પૃષ્ટિ થઈ નથી. સરકારે પોતાના જવાબમાં મુખ્યત્વે હાલના કાયદાકીય નિયમો, નિર્ધારિત ગુણવત્તાના ધોરણો અને તેના પાલન માટે તંત્ર દ્વારા લેવાતા કડક પગલાંઓની વિગતો રજૂ કરી હતી.

(PHOTO-FILE)

Exit mobile version