શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ શાકભાજી બજારમાં લીલાછમ શાકભાજીની રોનક વધી જાય છે. બજારમાં પાલક, મેથી અને તુવેરની સાથે ‘લીલા વટાણા’ (Green Peas) પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. વટાણા માત્ર વાનગીનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે પોષક તત્વોનો પાવરહાઉસ પણ છે. વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર આ નાનકડા દાણા શિયાળામાં શરીરને રોગમુક્ત રાખવા માટે અચૂક આહાર છે.
- શરીરની ઈમ્યુનિટીમાં કરે છે વધારો
લીલા વટાણા વિટામિન-સી અને શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ્સથી સમૃદ્ધ હોય છે. શિયાળામાં વારંવાર થતી શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન સામે લડવા માટે તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
- હાડકાં અને હૃદય માટે વરદાન સમાન
વટાણામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ખનિજો હોય છે. તે હાડકાંને અંદરથી મજબૂત બનાવે છે અને વધતી ઉંમરે થતા સાંધાના દુખાવા કે ઓસ્ટિયોપોરોસિસના જોખમને ઘટાડે છે. વટાણામાં રહેલું પોટેશિયમ અને ફાઇબર બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરીને હૃદયની નળીઓને સુરક્ષિત રાખે છે.
- પાચન અને વજન ઘટાડવામાં રામબાણ
જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે વટાણા શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં કેલરી ઓછી અને પ્રોટીન વધુ હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. ઉપરાંત, ફાઇબરની ભરપૂર માત્રાને લીધે પાચનતંત્ર સુધરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે.
- ત્વચા અને ડાયાબિટીસમાં ફાયદાકારક
શિયાળાની સૂકી હવામાં ત્વચાને ભેજયુક્ત રાખવા માટે વટાણામાં રહેલું વિટામિન-A અને K ખૂબ જ મદદરૂપ થાય છે. તેમજ ડાયાબિટીસના દર્દીઓ માટે વટાણા સુરક્ષિત છે, કારણ કે તેનું ફાઇબર અને પ્રોટીન લોહીમાં શર્કરાનું સ્તર ઝડપથી વધવા દેતું નથી.
- આખું વર્ષ સ્ટોર કરવાની પરંપરા
લીલા વટાણાના અગણિત ફાયદાઓને કારણે લોકો તેને શિયાળામાં મોટા પ્રમાણમાં ખરીદીને ફ્રીઝરમાં સ્ટોર પણ કરતા હોય છે. વટાણામાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ શરીરને ઠંડી સામે લડવા માટે તાત્કાલિક એનર્જી પૂરી પાડે છે. જાણકારોના મતે, શિયાળાની આ સિઝનમાં ફ્રેશ વટાણાને સૂપ, સલાડ, પુલાવ કે શાક તરીકે તમારા ડાયેટમાં ચોક્કસ સામેલ કરો.
આ પણ વાંચોઃ કાલાવડમાં પેરાશુટ સાથે ઉડતો યુવાન વીજ વાયરને અથડાઈને પટકાયા બાદ નાસી ગયો

