નવી દિલ્હી, 1 જુલાઈ 2027: ભારતીય અર્થતંત્રના મોરચેથી જૂન મહિનાના ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહજનક આંકડા સામે આવ્યા છે. દેશનું ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) કલેક્શન ચાલુ વર્ષના જૂન મહિનામાં 13.9 ટકાના જોરદાર ઉછાળા સાથે રૂ. 1.94 લાખ કરોડ (1,94,812 કરોડ) ને પાર પહોંચી ગયું છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો રૂ. 1.71 લાખ કરોડ નોંધાયો હતો. ટેક્સ કલેક્શનમાં આ સતત વધારો દર્શાવે છે કે બજારોમાં ગ્રાહકોની માંગ મજબૂત છે અને દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ સુધરી રહી છે.
ગ્રોસ રેવન્યુ ઉપરાંત, રિફંડ ચૂકવ્યા પછીની નેટ કમાણી (શુદ્ધ જીએસટી આવક) પણ શાનદાર રહી છે. નેટ ધોરણે સરકારના ખાતામાં રૂ. 1,62,377 કરોડ જમા થયા છે, જે ગયા વર્ષની સરખામણીએ 11.2 ટકા વધુ છે. આ મહિને સરકારે વેપારીઓને રૂ. 32,436 કરોડનું રિફંડ પણ જારી કર્યું છે, જે ગયા વર્ષના રૂ. 25,121 કરોડની સરખામણીએ 29.1 ટકા વધુ છે. સેન્ટ્રલ જીએસટી કલેક્શન 8 ટકાના વધારા સાથે આંકડો 37376, સ્ટેટ જીએસટીમાં 4 ટકાના વધારા સાથે 45116 કરોડ તથા ઈન્ટિગ્રેટેડ જીએસટીમાં 7 ટકાના વધારા સાથે 52282 કરોડ ઉપર પહોંચ્યો છે.
આ મહિનાના કલેક્શનની સૌથી મોટી વિશેષતા વિદેશથી આયાત થતા સામાન પર લાગતો ટેક્સ રહ્યો છે. આયાત પરના ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) માં 34.6 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે, જેનાથી સરકારી તિજોરીને સીધો રૂ. 60,038 કરોડનો ફાયદો થયો છે. આ જંગી વધારાએ કુલ જીએસટી આંકડાને રેકોર્ડ સ્તરે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બીજી તરફ, સ્થાનિક સ્તરે થતી કમાણીમાં 6.5 ટકાનો સંતુલિત ગ્રોથ નોંધાયો છે.
-
રાજ્યોનું પ્રદર્શન: મહારાષ્ટ્ર ટોપ પર, યુપી અને ગુજરાતની સ્પીડ વધુ
રાજ્યોના પ્રદર્શન પર નજર કરીએ તો ટેક્સ ચૂકવવામાં મહારાષ્ટ્રનો દબદબો હજુ પણ યથાવત છે. મહારાષ્ટ્ર 9 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 30,714 કરોડનું કલેક્શન કરીને દેશમાં મોખરે રહ્યું છે. જો કે, સૌથી વધુ ચોંકાવનારી રફ્તાર ઉત્તર પ્રદેશે (UP) બતાવી છે, જ્યાં 19 ટકાના શાનદાર ગ્રોથ સાથે રૂ. 9,165 કરોડનું કલેક્શન થયું છે.
ગુજરાતે પણ આર્થિક મોરચે શાનદાર પ્રદર્શન કરતા 12 ટકાના વધારા સાથે રૂ. 11,743 કરોડનું જીએસટી કલેક્શન કર્યું છે. આ સિવાય કર્ણાટકે 10 ટકાના વધારા સાથે રૂ. 12,937 કરોડ અને હરિયાણાએ 9 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 10,065 કરોડ સરકારી ખજાનામાં ઉમેર્યા છે. મોટા રાજ્યોમાં માત્ર તમિલનાડુ જ એવું રાજ્ય રહ્યું જ્યાં કલેક્શનમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે.

