Site icon Revoi.in

ગુજરાતઃ 51 સ્થળોએ સૂર્યનમસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, વિશ્વ રેકોર્ડ નોંધાયો

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. આની સાથે રાજ્યના 108 આઇકોનીક સ્થળોએ સૂર્યનમસ્કાર કાર્યક્રમો યોજાયા હતા. જે પૈકી 51 સ્થળોએ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાયો હતો. 

ગુજરાતે સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં જામનગર જિલ્લો પણ સહભાગી બન્યો હતો. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.  જામનગરના લાખોટા તળાવ અને એ.કે. દોશી મહિલા કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહેમાનોને તુલસીના રોપા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેયર, અધિક નિવાસી કલેક્ટર, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, પોલીસ મિત્રો, હોમગાર્ડઝ અધિકારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સોનલ માકડિયા, યોગ પ્રશિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા.

નવા વર્ષના સૂર્યોદય સાથે રાજ્યભરમાં સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે, વડોદરામાં પણ તળાવ કિનારે ,બગીચા સહિત રમત-ગમત સંકુલમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયા હતાં. સુરસાગર તળાવ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં, મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુક્લ સહિત પૂર્વ ડેપ્યુટી મેયર, સાથે શહેરીજનો અને યોગ શિક્ષક જોડાયા હતા.

વલસાડ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષના પ્રથમ દિવસે સવારે જિલ્લાના 4 સહિત રાજ્યના 108 સ્થળોએ સામૂહિક “સૂર્ય નમસ્કાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં કુલ 69,704 લોકોએ રજીસ્ટ્રેશન કરીને રાજ્યમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો. કાર્યક્રમમાં વલસાડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 400 અને તિથલ બીચ ખાતે 100 લોકોએ સમૂહમાં સૂર્ય નમસ્કાર કર્યા હતા. 

 “સૂર્યનમસ્કાર’’થી ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય, નિરોગી રહે તે હેતુથી સૂર્યનમસ્કાર અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસ ખાતે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતી રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા ખાતે યોજાયેલ વિજેતા સન્માન સમારોહનું લાઈવ પ્રસારણ પણ છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીએમ દ્વારા વર્ચ્યુલી જિલ્લાના કરસન રાઠવાનું સન્માન કરવામાં આવ્યું હતું.