Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાઃ આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું રાજીનામું

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાના પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે કોંગ્રેસના ખંભાતના એમએલએ ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. એટલું જ નહીં હજુ પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામા આપે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજ્ય થયો હતો 182 બેઠકો પૈકી 155 કરતા વધારે બેઠકો ઉપર ભગવો લહેરાયો હતો. જ્યારે 17 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. તેમજ આમ આદમી પાર્ટીનો ચાર બેઠકો ઉપર વિજય થયો હતો. મધ્ય ગુજરાતની ખંભાત બેઠક ઉપરથી કોંગ્રેસના યુવા નેતા ચિરાગ પટેલ જીત્યાં હતા. લોકસભાની ચૂંટણીને લઈને હાલ ગુજરાત કોંગ્રેસ પણ પક્ષને વધારે મજબુત કરવા માટે પ્રયાસો કરી રહ્યું છે.

દરમિયાન આજે ખંભાત બેઠકના એમએલએ ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપ્યું હતું. ચિરાગ પટેલના રાજનામાને પગલો કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ અન્ય ધારાસભ્યો ના તુટે તેને લઈને ડેમેજ કન્ટ્રોલની કવાયત તેજ કરી છે. હવે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ ઘટીને 16 થયું છે. હજુ પણ કોંગ્રેસના બેથી ત્રણ ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચરોતરના પાટીદાર આગેવાન ચિરાગ પટેલ અગાઉ વાસણાના સરપંચ તરીકે પણ સેવા આપી ચુક્યાં છે.

તાજેતરમાં જ વિસાવદરના આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપીને ભાજપમાં જોડાવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપતા વિધાનસભાની બે બેઠકો ખાલી પડી છે. આ બેઠકો ઉપર આગામી દિવસોમાં પેટાચૂંટણી યોજવામાં આવશે. આણંદ બેઠક ઉપરથી ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપતા હવે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ પાસે એક જ બેઠક રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં એક, સૌરાષ્ટ્રમાં 3, અમદાવાદ તથા ઉત્તર ગુજરાતમાં 11 બેઠકો કોંગ્રેસ પાસે છે.