Site icon Revoi.in

ગુજરાતઃ જી. એસ. મલિક બન્યા નવા કાયમી DGP, ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ

Social Share

અમદાવાદ, 6 જૂન 2026: ગુજરાતના પોલીસ બેડામાંથી આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી. એસ. મલિક) ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કર્યા છે. શનિવારના રોજ ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં ઇનચાર્જ રાજ્ય પોલીસ વડા તરીકે સેવા આપતા કે.એલ.એન. રાવ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી, આ મહત્વપૂર્ણ બદલી અને બઢતી સાથે હવે ગુજરાતને કાયમી અને પૂર્ણકાલીન ડીજીપી મળ્યા છે.

ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ, 1993ની બેચના વરિષ્ઠ આઇપીએસ અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની આ ખાલી પડેલી કેડર પોસ્ટ પર તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલના આદેશથી લેવાયેલા આ મહત્ત્વના નિર્ણય બાદ તેઓ ટૂંક સમયમાં જ પોતાનો કાર્યભાર સંભાળી લેશે. ઉલ્લેખનીય છે કે, તેઓ અગાઉ બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં પણ ડેપ્યુટેશન પર પોતાની પ્રશંસનીય સેવાઓ આપી ચૂક્યા છે.

નવા પોલીસ વડા જી. એસ. મલિક પોતાના 32 વર્ષના લાંબા અને શાનદાર કાર્યકાળમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમની કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે. અમદાવાદના સફળ કાર્યકાળ બાદ, હવે તેઓ આખા રાજ્યના પોલીસ તંત્રની કમાન સંભાળશે. જી. એસ. મલિકની રાજ્યના પોલીસ વડા તરીકે બઢતી થતાં જ હવે અમદાવાદ પોલીસ કમિશનરની પ્રતિષ્ઠિત પોસ્ટ ખાલી પડી છે. આ બઢતીને પગલે હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે કોની નિમણુંક થશે, તેના પર સૌની નજર મંડાયેલી છે અને સચિવાલય સહિત પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે.

Exit mobile version