Site icon Revoi.in

ગુજરાતઃ જે.પી.નડ્ડા બે દિવસના પ્રવાસે, ગાંધીનગર-રાજકોટ અને મોરબીમાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, એટલું જ નહીં નવરાત્રિના તહેવારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. દરમિયાન સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવી રહ્યા છે. મંગળવારે જેપી નડ્ડા રાજકોટમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે મહાસંમેલન કરશે. આ દરમિયાન તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક સભાને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત મોરબીમાં તેઓ એક રોડ-શો કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજથી બે દિવસના ગુજરાત પ્રવાસનું આયોજન કરાયું છે.  આવતીકાલે બપોરે 1 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર તેઓ ઉતરશે. એરપોર્ટથી રેસકોર્ષ સુધી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે.પી.નડ્ડા સાથે મુખ્યપ્રધાન અને સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે. જે પછી તેઓ એક જનસભા સંબોધશે. આ સભામાં રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 15000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યકર્તાઓને જેપી નડ્ડા આગામી વિધાનસભાની ચૂંટણીનું માર્ગદર્શન આપશે. ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનુ ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉતારશે. જેથી વિધાનસભાની આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.