Site icon Revoi.in

ગુજરાતઃ ગાંધીજ્યંતિના દિવસે ખાદીના વેચાણમાં થયો વધારો, અગાઉના રેકોર્ડ તૂટ્યાં

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે દરેક વ્યક્તિએ ખાદીના એક વસ્ત્રની ખરીદી કરવા માટે અપીલ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે ગાંધી જયંતિએ મહાત્માની ભૂમિ ગુજરાતમાં ખાદી ઉત્પાદનોનું મોટા પાયે વેચાણ થયું હતું. આ વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના તમામ 311 ખાદી ઇન્ડિયા આઉટલેટ્સમાં ખાદી ઉત્પાદનોનું એકંદર વેચાણ 3.25 કરોડ રૂપિયા રહ્યું હતું. ગુજરાતમાં આ વર્ષે ખાદીનું વેચાણ વર્ષ 2020ની સરખામણીમાં રૂ. 33.12 લાખ એટલે કે  11.32 ટકા વધ્યું છે, જ્યારે 2 ઓક્ટોબરના રોજ રાજ્યમાં ખાદીનું કુલ વેચાણ 2.92 કરોડ રૂપિયા હતું. કોવિડ -19ની બીજી લહેર પછી રોગચાળાની સ્થિતિને જોતા આ વર્ષે વેચાણનો આંકડો નોંધપાત્ર રીતે ઉંચો છે, જેણે થોડા મહિના પહેલા જ ગુજરાતને ગંભીર અસર કરી હતી.

ખાદીના વેચાણને વિશેષ પ્રોત્સાહન આપવા માટે, ખાદી એન્ડ વિલેઝ ઈન્ડસ્ટ્રીઝ કમિશન એટલે કે KVIC એ “આઝાદી કા અમૃત મહોત્સવ” ના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ રેલ્વે સ્ટેશન પર પ્રદર્શન સહ સેલ્સ આઉટલેટ્સ સ્થાપ્યા હતા. જેમાં રૂ. 5.14 લાખની ખાદીનું વેચાણ નોંધાયું હતું. આ ઉપરાંત, KVIC એ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, સ્પેસ એપ્લીકેશન સેન્ટર, ISRO અને GST હેડક્વાર્ટર ખાતે ખાસ ખાદી પ્રદર્શનનું પણ આયોજન કર્યું હતું જ્યાં અનુક્રમે 3.94 લાખ, 6.42 લાખ અને 2.25 લાખ રૂપિયાના ખાદી ઉત્પાદનો વેચાયા હતા. KVICના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાએ ખાદી ખરીદવા અને તેને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનની વારંવારની અપીલ અને ગુજરાતની જનતામાં ખાદીની સ્વીકૃતિને પણ મોટા પ્રમાણમાં વેચાણનું કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કેવીઆઈસી સતત મોટા ગ્રાહકોના આધાર માટે નવા ઉત્પાદનો ઉમેરી રહી છે, જ્યારે પડકારો હોવા છતાં ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણો જાળવી રાખે છે.