Site icon Revoi.in

ગુજરાતઃ યુથ ઓલિમ્પિક- 2029 અને ઓલમ્પિક- 2036ના આયોજન માટે તૈયારીઓનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ યુથ ઓલમ્પિક-2029 અને ઓલિમ્પિક-2036ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમત-ગમત રાજ્યમંત્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ NGOએ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ-ઔડા દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સુવિધાઓ ઉભી કરવાના આયોજન સાથોસાથ અમદાવાદના પશ્ચિમના એસ.પી.રીંગરોડના બહારના વિસ્તારમાં પણ આવી વ્યાપક અંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા અંગે પરામર્શ થયો હતો.

સરદાર પટેલ રિંગરોડની પશ્ચિમ તરફ ઔડાના ડી.પી.માં સૂચિત 90 મીટર પહોળા રીંગરોડ તથા બોપલ-પલોડીયાના 36 મીટર રોડની આસપાસના મણિપુર, ગોધાવી, ગરોડીયા વિસ્તારોમાં નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર નિર્માણ કરવા બાબતે પણ આ બેઠકમાં વિચારણા થઈ હતી.

ઓલમ્પિકના આયોજન માટે આ વિસ્તારમાં થયેલા જમીન સર્વેની સમીક્ષા કરવા અને સૂચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોન અમલી થાય તે માટેની જરૂરી કાર્યવાહી સત્વરે કરવાજરૂરી દિશાનિર્દેશ આ બેઠકમાં આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, એજ્યુકેશન માટેના ઝોન તરીકે વિકસિત કરવા માટે સર્વે, જમીન સંપાદન, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપનાં વિકલ્પો વગેરેની સમીક્ષા કરીને તથા તમામ સંબંધિત સ્ટેક હોલ્ડર્સનો સમાવેશ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ સત્વરે કેવી રીતે ઊભી થઈ શકે તે માટેનું સમયબદ્ધ આયોજન કરવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. કનેક્ટિવિટીના હેતુસર BRTS અને મેટ્રો દ્વારા કઈ રીતે જોડી શકાય તે અંગે પણ ચર્ચા કરાઈ હતી.