Site icon Revoi.in

ગુજરાત યુનિ.એ પ્રવેશની સમસ્યા હલ કરવા બેઠકો વધારી પણ પ્રવેશ કાર્યવાહી વેકેશન બાદ શરૂ થશે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં જરૂર જણાતા સીટ વધારવામાં આવી છે. પરંતુ દિવાળી વેકેશનના 2 દિવસ અગાઉ જ સીટ વધારવામાં આવી છે અને કોલેજના પોર્ટલ પર સીટ વધી નહોતી, જેથી હવે પ્રવેશ પ્રક્રિયા દિવાળી વેકેશન બાદ શરૂ  કરી શકાશે.

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના પ્રવેશ માટે ઓનલાઈન અને ત્યારબાદ ઓફલાઈન પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી છતાં ઘણાબધા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા.ધીમી ગતિએ ચાલી રહેલી ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં અનેક મુશ્કેલી આવી રહી છે. એક અઠવાડિયાથી કોલેજમાં સીટ ઓછી હોવાથી વિદ્યાર્થીઓ પ્રવેશ વિના જ રહ્યા હતા જેથી સીટ વધારવામાં આવી હતી. પરંતુ વેકેશનના 2 દિવસ અગાઉ સીટ વધારવામાં આવી જેથી, હવે વિદ્યાર્થીઓએ દિવાળી બાદ જ પ્રવેશ મેળવવાનો રહેશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરકારી ગ્રાન્ટેડ કોલેજમાં વર્ગ દીઠ 20 સીટનો વધારો આપવાની જાહેરાત કરવામાં તો આવી હતી. પરંતુ કોલેજોના પોર્ટલ પર સીટ વધી નહોતી, જેથી કોલેજ દ્વારા સીટ વધારીને પ્રવેશ આપવામાં આવ્યા નથી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વેકેશનના 2 દિવસ અગાઉ સીટ વધારવા જાહેરાત તો કરવામાં આવી, પરંતુ તેનો અમલ દિવાળી બાદ જ કરવામાં આવશે.

ગુરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં આ વર્ષે પ્રવેશની સમસ્યા વિકટ બની છે. કારણ કે, ધો. 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું એના લીધે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે. યુનિવર્સિટીએ પ્રવેશના ઓનલાઈન ચાર જેટલાં રાઉન્ડ યોજ્યા બાદ ઓફલાઈન પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.છતાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા આખરે ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો વધારવાનો નિર્ણય લીધો છે.