Site icon Revoi.in

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉ.ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાત ઉપર હાલ બે વરસાદી સિસ્ટિમ સક્રિયા હોવાનું જાણવા મળે છે જેના પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદી આગાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર હવામાન વિભાગની પાંચ દિવસ વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં સવારથી જ મેઘરાજા ધીમીધારે વરસી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પોરબંદર અને દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં લગભગ 35થી 40 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધારે કચ્છમાં 75 ટકા જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલની સ્થિતિએ 52 ટકા જેટલો જળસંગ્રહ છે.