નવી દિલ્હી, 2 જુલાઈ 2026: દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોના જીવ બચાવવા અને તબીબી સેવાઓને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ એક મોટો નિર્ણય લીધો છે. મંત્રાલયે રોડ એમ્બ્યુલન્સની સુરક્ષા, કાર્યક્ષમતા અને મેડિકલ ક્ષમતાઓને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવા માટે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (AIS)-125 ના નિયમોમાં મહત્વના સુધારાની દરખાસ્ત કરી છે.
- પ્રથમ કલાકમાં 50 % મૃત્યુ અટકાવી શકાશે
ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવે છે. વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે જો અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓને અકસ્માતના પ્રથમ કલાક એટલે કે ‘ગોલ્ડન અવર’ (Golden Hour)ની અંદર હોસ્પિટલ પહોંચાડીને તબીબી સહાય આપવામાં આવે, તો માર્ગ અકસ્માતના લગભગ ૫૦% મૃત્યુ નિવારી શકાય છે. આ હેતુથી કેન્દ્ર સરકારે તાજેતરમાં જ અકસ્માતના દર્દીઓ માટે મફત સારવાર આપતી “PM-RAHAT (પ્રધાનમંત્રી – રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ) યોજના” અધિસૂચિત કરી છે. આ યોજનાના પૂરક ભાગરૂપે હવે એમ્બ્યુલન્સના માળખાને પણ હાઇટેક બનાવવામાં આવી રહ્યું છે.
- હવે રસ્તાઓ પર દોડશે વિશિષ્ટ કેટેગરીની એમ્બ્યુલન્સ
નવા સુધારાઓ અંતર્ગત દેશમાં બે ખાસ પ્રકારની હાઇટેક એમ્બ્યુલન્સ રજૂ કરવામાં આવશે. આ એમ્બ્યુલન્સ ખાસ કરીને ગંભીર રીતે બીમાર અથવા અધુરા મહિને જન્મેલા નવજાત બાળકોને ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ સાથે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં સુરક્ષિત રીતે લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સમાં એકસાથે અનેક સ્ટ્રેચર લઈ જવાની સુવિધા હશે, જેમાં સામાન્ય રીતે એક સમયે એક દર્દી પર સઘન સારવાર (ઇન્ટેન્સિવ કેર સપોર્ટ) આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
-
બચાવ સાધનો રાખવા ફરજિયાત
નવા નિયમો મુજબ, ક્લાસ B, C અને D શ્રેણી હેઠળ આવતી તમામ રોડ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી અને બચાવ સાધનો રાખવા ફરજિયાત રહેશે. આ સાધનો અકસ્માતગ્રસ્ત વાહનોમાંથી પીડિતોને કાપવા અથવા બહાર કાઢવામાં મદદ કરશે. આ ઉપરાંત, જો એમ્બ્યુલન્સ પોતે કોઈ અકસ્માતનો ભોગ બને, તો પણ આ સાધનો બચાવ કાર્યમાં ઉપયોગી સાબિત થશે.
-
ઇ-એમ્બ્યુલન્સ માટે સમર્પિત પાવર સોર્સ
દેશમાં ગ્રીન મોબિલિટી (ઇલેક્ટ્રિક વાહનો)ને પ્રોત્સાહન આપવા માટે હવે ઇલેક્ટ્રિક એમ્બ્યુલન્સ પણ લાવવામાં આવશે. દર્દીની સારવારમાં કોઈ અડચણ ન આવે તે માટે આ ઇ-એમ્બ્યુલન્સમાં તબીબી ઉપકરણો ચલાવવા માટે એક અલગ અને સમર્પિત પાવર સ્ત્રોત આપવામાં આવશે. આ સાથે જ એમ્બ્યુલન્સમાં સ્થાપિત તમામ તબીબી ઉપકરણોએ નિર્ધારિત ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું પડશે.
- જનતા પાસેથી સૂચનો મગાવાયા
સરકાર દ્વારા આ અંગેની ડ્રાફ્ટ અધિસૂચના (GSR 382(E), તારીખ ૧૪.૦૫.૨૦૨૬) બહાર પાડીને મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ નિયમોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સામાન્ય જનતા અને નિષ્ણાતો પાસેથી સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સુધારાઓ અંતિમ અધિસૂચનામાં જાહેર કરાયેલી તારીખથી સમગ્ર દેશમાં અમલમાં આવશે.

