Site icon Revoi.in

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA પર હસ્તાક્ષર: નિકાસકારોને મળશે 100 ટકા ડ્યુટી ફ્રી એન્ટ્રી

Social Share

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સોમવારે એક નવા સુવર્ણ યુગનો પ્રારંભ થયો છે. બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા છે, જે વ્યાપાર, રોકાણ અને રોજગારના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેક્લેની હાજરીમાં આ કરારને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ એફટીએની સૌથી મોટી વિશેષતા તેની ઝડપ રહી છે.

16 માર્ચ, 2025ના રોજ શરૂ થયેલી મંત્રણાને રેકોર્ડબ્રેક 9 મહિનામાં પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સમજૂતી હેઠળ ન્યુઝીલેન્ડ જતી ભારતની તમામ ચીજવસ્તુઓ પર હવે શૂન્ય ટકા ટેરિફ (સીમા શુલ્ક) લાગશે. તેમજ અત્યાર સુધી ન્યુઝીલેન્ડ ભારતની 450 પ્રોડક્ટ્સ પર 10 ટકા ડ્યુટી લગાવતું હતું, જે હવે નાબૂદ થશે. આનાથી ભારતીય કાપડ, ચામડું, સિરેમિક્સ, ગાલીચા અને ઓટો પાર્ટ્સની નિકાસમાં ધરખમ વધારો થશે.

આ પણ વાંચોઃ સુરતના કતારગામમાં ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત, એકને ગંભીર ઈજા

આ કરાર માત્ર વ્યાપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ રોકાણનો પણ મોટો સ્ત્રોત બનશે. ન્યુઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડોલરનું વિદેશી રોકાણ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. એક વ્યૂહાત્મક નિર્ણય હેઠળ ભારતે તેના સંવેદનશીલ ડેરી અને કૃષિ ક્ષેત્રને આ સમજૂતીથી સંપૂર્ણપણે બહાર રાખ્યા છે. દૂધ, દહીં, પનીર અને અન્ય ડેરી ઉત્પાદનો પર આયાત છૂટ આપવામાં આવી નથી, જેથી ભારતીય ખેડૂતોના હિતો સુરક્ષિત રહે. આર્થિક મોરચા ઉપરાંત, આ સમજૂતી ભારતીય યુવાનો માટે વરદાન સાબિત થશે.

પ્રથમ વખત ન્યુઝીલેન્ડે કોઈપણ દેશ સાથે ‘પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા’ કરાર કર્યો છે. હવે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન અઠવાડિયે 20 કલાક કામ કરી શકશે. આઈટી અને હેલ્થકેર જેવા ક્ષેત્રોના કુશળ પ્રોફેશનલ્સ માટે 5,000 અસ્થાયી રોજગાર વિઝાનો ક્વોટા નક્કી કરાયો છે, જેના દ્વારા તેઓ 3 વર્ષ સુધી ન્યુઝીલેન્ડમાં નોકરી કરી શકશે. દર વર્ષે 1,000 ભારતીય યુવાનો 12 મહિના માટે ન્યુઝીલેન્ડમાં ‘મલ્ટીપલ એન્ટ્રી’ વિઝા પર જઈ શકશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “આ બદલાતા વૈશ્વિક યુગમાં ભારત અને ન્યુઝીલેન્ડે એકબીજાને પસંદ કર્યા છે. આ સમજૂતી વડાપ્રધાન મોદીના ‘વિકસિત ભારત 2047’ ના વિઝનને સાકાર કરવા તરફનું એક મહત્વનું કદમ છે. આગામી મહિનાઓમાં અમે યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથે પણ આવા કરારો કરવા જઈ રહ્યા છીએ.” નોંધનીય છે કે બંને દેશોએ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. ન્યુઝીલેન્ડમાં વસતા 3 લાખ ભારતીયો આ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

Exit mobile version