Site icon Revoi.in

કચ્છમાં અશ્વદોડની સ્પર્ધામાં અશ્વ વીજળીના થાંભલા સાથે અથડાતાં ઘોડેસવારનું મોત

Social Share

ભૂજઃ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલાં ગુંદીયાળી અને ત્રગડી ગામ વચ્ચેની સીમમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. સુલતાંનસા પીરના મેળામાં અશ્વદોડનું આયોજન કરાયું હતું.  દરમિયાન ધૂળની ડમરીઓને કારણે એક ઘોડેસવાર આગળનું જોઈ શક્યો ન હતો અને તેનો ઘોડો રસ્તાની બાજુમાં ઉતરી ગયો હતો. આ દરમિયાન વીજ થાંભલા સાથે અથડાવાને કારણે યુવક જોરથી હવામાં ઉછળી નીચે પછડાયો હતો. માથામાં ગંભીર ઈજા પહોંચવાને કારણે ઘોડેસવાર રાજદીપસિંહ જાડેજાનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના માંડવી તાલુકામાં સુલતાંનસા પીરના મેળામાં ગુંદીયાળી અને ત્રગડી ગામ વચ્ચે અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અશ્વદોડ માટે ગામના યુવાનોમાં ભારે જોશ હતો. અને આ મેળામાં આયોજિત થતી આ અશ્વદોડમાં ભાગ લેવા માટે આસપાસના ગામોના અનેક ઘોડેસવારો ભાગ લેતાં હોય છે. પણ આ વખતે યોજાયેલ અશ્વદોડ ગ્રામજનો માટે કરુણાંતિકા લઈને આવી હતી. અશ્વદોડ દરમિયાન મોતને ભેટેલાં ઘોડેસવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.ગ્રામજનોના કહેવા મુજબ  મૃતક યુવાન રાજદીપસિંહ જાડેજાની આગળ માત્ર એક ઘોડેસવાર હતો.  ધૂળિયા રસ્તા પર યોજાયેલા અશ્વદોડને કારણે આગળ જતાં ઘોડાની તેજ ગતિથી જમીન પરની ધૂળ હવામાં ઉડી રહી હતી. તે સમયે પાછળ આવતાં રાજદીપસિંહ જાડેજાની આંખમાં ધૂળ આવી જવાને કારણે કે ધૂળને કારણે રસ્તો ન દેખાવવાને કારણે તેની ઝડપ ઓછી થઈ ગઈ હતી.

દરમિયાન રસ્તાની વચ્ચોવચ દોડતો અશ્વ ઘોડો રસ્તાની બાજુમાં તરીને દોડવા લાગ્યો હતો. ત્યારે જ અચાનક રસ્તાની બાજુમાં વીજળીનો એક થાંભલો આવી જાય છે. અને ઘોડો થાંભલાને અથડાતા પોતાને બચાવી લે છે, પણ તેની ઉપર બેઠેલા અશ્વસવાર રાજદીપસિંહનું ધ્યાન થાંભલા પર જતું નથી. અને તે થાંભલા સાથે ધડાકાભેર ટકરાઈ જાય છે. થાંભલા સાથેની ટક્કરને કારણે તેઓ સીધા હવામાં ફંગોળાઈ જાય છે અને જમીન પર જોરથી પટકાયા હતા. રાજદીપસિંહનું મોત પણ માથામાં ગંભીર ઈજા પહોંચવાને કારણે થયું હતુ. અશ્વદોડ દરમિયાન આ રીતે જુવાનજોધ યુવાનનું મોત થતાં પરિવારે આક્રંદ મચાવી દીધો હતો તો ત્રગડી ગામમાં પણ શોકની લહેર છવાઈ ગઈ હતી.