બેંગલુરુ, 15 મે 2026: ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) ના પોડકાસ્ટમાં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયર અને 2027 ના વનડે વર્લ્ડ કપને લઈને અનેક મહત્વના ખુલાસા કર્યા છે. વિરાટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તે ત્યાં સુધી જ ક્રિકેટ રમશે જ્યાં સુધી તેને લાગશે કે તે ટીમમાં યોગદાન આપી રહ્યો છે અને ટીમ પણ તેને જરૂરી માને છે. જોકે, તેણે સન્માન અને ભરોસાને પ્રાથમિકતા આપતા મોટું નિવેદન આપ્યું છે.
પોડકાસ્ટમાં વાત કરતા વિરાટે કહ્યું, “મારો દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ છે. જો હું જે માહોલનો ભાગ છું તેમાં વેલ્યુ એડ કરી શકું અને ટીમને પણ લાગતું હોય કે મારે રમવું જોઈએ, તો જ હું મેદાનમાં ઉતરીશ. પરંતુ જો મને એવો અહેસાસ કરાવવામાં આવે કે મારે મારી કિંમત અને મહત્વ વારંવાર સાબિત કરવું પડશે, તો હું તે જગ્યાએ રહેવા માંગતો નથી.” વિરાટનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લાંબા સમયથી રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં સ્થિતિ સામાન્ય નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ અને 2027 ના વર્લ્ડ કપ માટે તેમની પ્રતિબદ્ધતા અંગે ઉઠેલા સવાલો વચ્ચે આ નિવેદન ઘણું સૂચક છે. ખાસ કરીને કોચ ગૌતમ ગંભીર સાથેના મતભેદો અને રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ કેપ્ટન પદેથી હટાવવાના વિવાદે પણ જોર પકડ્યું છે.
સન્માન અને આત્મસન્માન સાથે બાંધછોડ નહીં
ટીમમાં પોતાના સ્થાન અંગે ઉઠતા સવાલો પર કોહલીએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, “કાં તો પહેલા જ દિવસે સાફ કહી દો કે હું સક્ષમ નથી અથવા મારી જરૂર નથી. પરંતુ એક દિવસ ભરોસો બતાવવો અને બીજા જ દિવસે ક્ષમતા પર સવાલ ઉઠાવવા તે યોગ્ય નથી.” તેણે ઉમેર્યું કે તે ટીમ માટે 40 ઓવર સુધી બાઉન્ડ્રી પર દોડવા પણ તૈયાર છે, પરંતુ તે સન્માન અને આત્મસન્માન સાથે બાંધછોડ નહીં કરે. આંકડાઓની વાત કરીએ તો વિરાટ આજે પણ સર્વશ્રેષ્ઠ છે. તેણે 311 વનડે મેચોમાં 54 સદી અને 77 અડધી સદી સાથે 14,797 રન બનાવ્યા છે. ગયા વર્ષે પણ તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. જૂન મહિનામાં અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં વિરાટ ફરી મેદાનમાં જોવા મળી શકે છે, જે 2027 વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્વની માનવામાં આવે છે.

