કોલકાતા, 8 એપ્રિલ 2026: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારતને અપાયેલી ‘ગીધડ ભભકી’ પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરો પ્રહાર કર્યો છે. પશ્ચિમ બંગાળના બેરકપુરમાં એક રોડ શો દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેઓ ભારતને પડકારવાની ભૂલ ન કરે અને પોતાનો ઈતિહાસ યાદ રાખે.
ખ્વાજા આસિફના ‘કોલકાતા પર હુમલા’ના નિવેદનનો જવાબ આપતા રાજનાથ સિંહે કહ્યું કે, “પાકિસ્તાને એ ન ભૂલવું જોઈએ કે 55 વર્ષ પહેલા 1971માં તેમણે બંગાળ તરફ નજર ઉપાડવાની કોશિશ કરી હતી ત્યારે તેના બે ટુકડા થઈ ગયા હતા, એક પાકિસ્તાન અને બીજું બાંગ્લાદેશ. જો આ વખતે ફરી તેમણે બંગાળ પર નજર નાખવાની હિંમત કરી, તો ભગવાન જ જાણે છે કે પાકિસ્તાનના કેટલા ટુકડા થઈ જશે.” તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાને ભડકાઉ નિવેદનો આપવાને બદલે ઈતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ.
સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાની ધમકી પર રાજનીતિ કરવા બદલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પણ આકરી ટીકા કરી હતી. મમતા બેનર્જીએ અગાઉ આ મુદ્દે વડાપ્રધાનની ચુપકીદી પર સવાલ ઉઠાવી રાજીનામાની માંગ કરી હતી. તેના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે, “TMC સરકાર તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિ માટે ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે. મમતાજીના 15 વર્ષના શાસનમાં બંગાળ બરબાદ થઈ ગયું છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી છે.”
દરમિયાન બેરકપુરની જનસભામાં રાજનાથ સિંહે આક્ષેપ કર્યો હતો કે મમતા સરકારે સમાજને જાતિ અને ધર્મના આધારે વિભાજિત કર્યો છે. રાજનીતિ ન્યાય અને માનવતા પર આધારિત હોવી જોઈએ, નહીં કે ભ્રષ્ટાચાર પર. તેમણે બંગાળની જનતાને આ કુશાસનમાંથી બહાર આવવા અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા શનિવારે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં જો ભારત કોઈ સૈન્ય કાર્યવાહી કરશે તો પાકિસ્તાન તેનો જવાબ સીધો કોલકાતા પર હુમલો કરીને આપશે. આ નિવેદન બાદ ભારતીય રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું હતું કે ભારતની શક્તિ અને સંકલ્પ સામે પાકિસ્તાનનું ટકી રહેવું અશક્ય છે.

