આજના ભાગદોડભર્યા જીવનમાં કોફી માત્ર એક પીણું નથી, પરંતુ કરોડો લોકોના દિવસની શરૂઆતનું એક અભિન્ન અંગ બની ગઈ છે. સામાન્ય રીતે દૂધવાળી ચાના નુકસાન વિશે આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ કોફીના કિસ્સામાં ચિત્ર કંઈક અલગ છે. તાજેતરના એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, કોફી માત્ર તમને તાજગી જ નથી આપતી, પણ તે એક શક્તિશાળી ‘એન્ટી-એજિંગ’ (વૃદ્ધત્વ વિરોધી) પીણા તરીકે પણ કામ કરે છે.
ટેલોમેર બાયોલોજી પર થયેલા સંશોધનો દર્શાવે છે કે આપણા શરીરમાં થતો ‘ઓક્સિડેટીવ સ્ટ્રેસ’ કોષોની ઉંમર વધારવા માટે જવાબદાર હોય છે. કોફીમાં રહેલા પોલિફેનોલ્સ અને ક્લોરોજેનિક એસિડ નામના તત્વો મેટાબોલિક સિગ્નલિંગ સુધારે છે અને સેલ્યુલર સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સરળ ભાષામાં કહીએ તો, કોફી શરીરમાં રહેલા કોષોને જલ્દી ઘરડા થતા અટકાવે છે.
- કોફી કેવી રીતે વૃદ્ધત્વને ધીમું કરે છે?
ટેલોમેરની સુરક્ષા: ઓક્સિડેટીવ તણાવને કારણે આપણા ટેલોમેર્સ ટૂંકા થવા લાગે છે, જે વૃદ્ધત્વની નિશાની છે. કોફીના એન્ટીઑકિસડન્ટો આ તણાવને ઘટાડીને ટેલોમેરની લંબાઈ અને સ્થિરતા જાળવવામાં પરોક્ષ રીતે મદદ કરે છે.
સોજા અને બળતરામાં રાહત: કોફીમાં રહેલા પોલિફેનોલ્સ શરીરના આંતરિક સોજાને ઘટાડે છે, જે લાંબા ગાળે જૈવિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
માનસિક સ્વાસ્થ્ય: માનસિક તણાવ પણ વૃદ્ધત્વને વેગ આપે છે. કોફીના ગુણધર્મો મગજને સક્રિય રાખીને જૈવિક તણાવ ઓછો કરવામાં મદદરૂપ થાય છે.
- માત્ર કોફી જ નહીં, આ પીણાં પણ છે ગુણકારી
વૈજ્ઞાનિકોના મતે એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય તેવા તમામ પીણાં સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે. કોફી ઉપરાંત ગ્રીન-ટી અને તાજા ફળોના રસ પણ ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડીને ત્વચા અને શરીરને યુવાન રાખવામાં મદદ કરે છે.
- સ્વસ્થ રહેવા માટે કોફીનું સેવન કેવી રીતે કરવું?
કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક હોઈ શકે છે. તેથી, કોફીનો મહત્તમ લાભ લેવા માટે આ બાબતોનું ધ્યાન રાખો:
સંતુલિત માત્રા: દિવસ દરમિયાન બે કપ કોફી પીવી આદર્શ માનવામાં આવે છે. આટલી માત્રામાં શરીરને જરૂરી પોલિફેનોલ્સ મળી રહે છે.
વૈવિધ્ય: તમે કેફીનયુક્ત અને ડીકેફીનયુક્ત એમ બંને પ્રકારની કોફીનો સ્વાદ માણી શકો છો.
ખાવાની વસ્તુઓમાં પ્રયોગ: કોફીનો ઉપયોગ માત્ર પીણા તરીકે જ નહીં, પણ હેલ્ધી કૂકીઝ કે કેક જેવી વાનગીઓમાં પણ કરી શકાય છે.
સાથે પૌષ્ટિક આહાર: કોફીની સાથે ફાઈબરયુક્ત ખોરાક લેવાથી પાચન અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે.
સંયમ જાળવો: વધુ પડતું કેફીન ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે, જે ઉલટું નુકસાન કરી શકે. તેથી જરૂરિયાત મુજબ જ સેવન કરો.
જો તમે પણ તમારી જીવનશૈલીમાં સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિની સાથે કોફીને સ્થાન આપશો, તો તે લાંબા સમય સુધી તમને યુવાન અને ઉર્જાવાન રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
આ પણ વાંચોઃ શિયાળામાં સ્વાસ્થ્યનો ખજાનો એટલે આમળાનું ઓઈલ-ફ્રી અથાણું, જાણો રેસીપી

