Site icon Revoi.in

બિહારમાં આગામી દિવસોમાં ભાજપા નીતિશ કુમાર સાથે કોઈ સમજૂતી નહીં કરે

Social Share

નવી દિલ્હીઃ બિહાર બીજેપી સ્ટેટ વર્કિંગ કમિટીમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. નેતૃત્વ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હવે JDU સાથે કોઈ સમજૂતી નહીં થાય. રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકમાં પ્રભારીએ કહ્યું કે, ‘2020ની ચૂંટણીમાં સહયોગી JDUને ઓછી બેઠકો મળી હોવા છતાં અમે નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા હતા. વડાપ્રધાને નીતિશ કુમારનું સન્માન કર્યું હતું, પરંતુ નીતિશ કુમારે પક્ષ બદલીને પીએમ મોદીનું અપમાન કર્યું છે. બિહાર ભાજપની જાહેરાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે, જેડીયુ આગામી દિવસોમાં ભાજપ સાથે ગઠબંધન નહીં કરે. બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સત્તાના ગલિયારાઓમાં એવી ચર્ચા હતી કે આગામી દિવસોમાં JDU ફરી એકવાર ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે. પરંતુ રાજ્ય કાર્યસમિતિની બેઠકમાં થયેલી જાહેરાતની સાથે જ આ ચર્ચાઓનો એક રીતે અંત આવ્યો હતો.

દરભંગામાં બીજેપી સ્ટેટ વર્કિંગ કમિટીની બેઠકને સંબોધતા વિનોદ તાવડેએ કહ્યું, “અમે આ સંદર્ભે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, અમે કોઈપણ સંજોગોમાં JDU સાથે ગઠબંધન નહીં કરીએ. નીતીશ કુમારની રાજકીય સ્થિતિ એવી છે કે તેઓ કોઈના સગા નથી.

વિનોદ તાવડેએ કહ્યું, ‘એવું કહી શકાય કે એવો કોઈ સંબંધી નથી જેને નીતિશે છેતર્યા ન હોય. નીતિશ કુમારે પહેલા દેવીલાલને છેતર્યા, પછી લાલુ યાદવ, રામવિલાસ પાસવાન, જ્યોર્જ ફર્નાન્ડિસ, શરદ યાદવ પછી હવે ભાજપ તેનો શિકાર બની છે. વિનોદ તાવડેએ કહ્યું, “મુખ્યમંત્રી નીતિશ કુમાર આર્થિક અને સામાજિક વિકાસના વિરોધી છે. કેન્દ્ર સરકાર બિહારને સતત ફંડ આપી રહી છે. આ પછી પણ બિહારનો વિકાસ અટકી ગયો છે.

તેમણે કહ્યું કે, જ્યારથી મહાગઠબંધન સરકાર સત્તામાં આવી છે ત્યારથી બિહારમાં આપણા મહાપુરુષો અને મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથો પર હુમલા થઈ રહ્યા છે. તેની સાથે સામાજિક વિસંગતતા પણ વધી રહી છે. સરકાર વિકાસના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. બિહાર ભાજપના પ્રભારીએ વધુમાં કહ્યું કે, આજે આપણે કહી શકીએ કે બિહારમાં નીતિ વિષયક મુદ્દાઓ પરની ચર્ચા બંધ થઈ ગઈ છે અને મહાગઠબંધન સરકાર જન વિકાસના મુદ્દાઓ પર કોઈ ધ્યાન આપી રહી નથી.