Site icon Revoi.in

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે સ્વાઈન ફ્લુ, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના કેસમાં વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. સ્વાઇન ફ્લૂ, વાઇરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ચાલુ ઓગસ્ટ મહિનામાં સ્વાઈન ફ્લૂના 509 જેટલા કેસો નોંધાયા છે. જેમાં નાના બાળકોમાં સ્વાઈન ફ્લૂ વધુ જોવા મળ્યો છે. 0થી 15 વર્ષ સુધીના 95 બાળકોમાં સ્વાઇન ફ્લુના ભોગ બન્યા છે. શહેરમાં માત્ર સ્વાઈન ફ્લૂ જ નહીં, પરંતુ ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં 70 ટકા કેસો વધી ગયા છે. વરસાદ બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેસો વધુ નોંધાયા છે. વરસાદ અને ડ્રેનેજમાં મિક્સ થયેલા દૂષિત પાણીને કારણે ઝાડા ઊલટી અને પેટમાં દુઃખાવો સહિતના કેસો પણ સામાન્ય કરતા વધુ નોંધાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  શહેરમાં 23 ઓગસ્ટ સુધીમાં ઝાડા ઊલટીના 660,  કમળાના 135,  ટાઇફોઇડના 239 અને કોલેરાના 09 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા 129, ડેન્ગ્યુ 132, ચિકનગુનિયાના 25 અને ઝેરી મેલેરિયા 15 કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના કેસો ચાલુ ઓગસ્ટ મહિનામાં 509 જેટલા નોંધાયા છે. જેમાં સ્વાઇન ફ્લૂમાં 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં અને 30 ટકા દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યાં છે. શહેરમાં સૌથી વધુ કહેર સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યુ, ઝાડા-ઉલટીનો જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો થયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાણીજન્ય રોગચાળો સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં અને કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં જોવા મળ્યો છે. જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે, ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી ઓગસ્ટ મહિનામાં 602 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 33 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા હતા. અનફીટ જાહેર થયેલા સેમ્પલો મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારના હતા. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે, ત્યાં મ્યુનિ. કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.