- પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ
- ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ
ગાંધીનગર, 31 જાન્યુઆરી, 2026 – Banni’s Ratan ‘Chhari-Dhand’ બન્નીના રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે. ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલું ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે.
આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્ય, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે, ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે.
દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના ૨૧ ટકા કરતાં વધુ હિસ્સો ગુજરાતનો છે, જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે. ગુજરાતના વેટલેન્ડ્સ અંદાજે ૩.૫ મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૭.૮ ટકા જેટલો ભાગ ધરાવે છે.
તેમણે કહ્યું કે, કચ્છના ઇકો-ટૂરિઝમ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારના છેડે આવેલ ‘છારી-ઢંઢ’ કન્ઝર્વેશન રિઝર્વને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્ત્વની વેટલેન્ડ સાઇટ એટલે કે ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ છારી-ઢંઢ હવે ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની છે.
Congratulations, Gujarat! 🌿🕊️
The Chhari-Dhandh Bird Sanctuary, located in Kutch, has been included in the prestigious list of Ramsar Sites. With this achievement, the number of Ramsar Sites in Gujarat has now increased to five.
The Ramsar Sites of Gujarat are:
🕊️ Nalsarovar… pic.twitter.com/qO5H9ihd5F— Arjun Modhwadia (@arjunmodhwadia) January 31, 2026
અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે મળેલી આંતરરાષ્ટ્રીય માન્યતા ગુજરાત માટે ગૌરવની બાબત છે. રાજ્યના પર્યાવરણીય સંરક્ષણના પ્રયાસોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવે છે. આ માન્યતા થકી છારી-ઢંઢ વેટલેન્ડનું દીર્ઘકાળીન સંરક્ષણ સુનિશ્ચિત થશે, પ્રવાસી તથા સ્થાનિક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન મજબૂત બનશે અને દુર્લભ તથા લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે વિશેષ પગલાં લેવામાં આવશે.
આ ઉપરાંત, રામસર દરજ્જાથી વિસ્તારમાં ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન મળશે, જેના પરિણામે સ્થાનિક સમુદાય માટે રોજગાર અને આવકના નવા અવસર ઊભા થશે. પર્યાવરણ જાગૃતિ, શિક્ષણ પ્રવૃત્તિઓ અને સમુદાયની સહભાગિતામાં પણ નોંધપાત્ર વધારો થશે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલેથી જ નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા પક્ષી અભયારણ્યો રામસર સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. હવે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યના સમાવેશથી રાજ્યની પર્યાવરણ સંરક્ષણ અને વેટલેન્ડ સંવર્ધનની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે. રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો, ભારતના કુલ ૧૧૫ રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી ૮ રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં આવેલાં છે.
ઉપરાંત, રાજ્યમાં ૧૯ વેટલેન્ડ્સ એવા છે જે મહત્ત્વપૂર્ણ પક્ષી અને જૈવ વૈવિધ્યતા વિસ્તારો તરીકે ઓળખાય છે, જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્ત્વપૂર્ણ આશ્રયસ્થાન પૂરૂં પાડે છે તેમ જણાવી મંત્રીશ્રીએ આ સિદ્ધિ બદલ સૌ ગુજરાતીઓને શુભેચ્છાઓઓ પાઠવી હતી.
નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં પટના પક્ષી અભયારણ્ય અને ગુજરાતના છારી ઢંઢને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી તેની આજે કેન્દ્રીય પર્યાવરણ,વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ પહેલા ભારતના રામસર નેટવર્કમાં બે નવા વેટલેન્ડ્સનો સમાવેશ કરવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરી હતી.
Congratulations Team Uttar Pradesh and Gujarat and the Wetland community!
With World Wetlands Day close by, I am delighted to announce that there are two new additions to India’s Ramsar growing network.
Patna Bird Sanctuary in Etah, Uttar Pradesh, and Chhari-Dhand in Kutch,… pic.twitter.com/VK8lVeGe07
— Bhupender Yadav (@byadavbjp) January 30, 2026
ભારતનું રામસર નેટવર્ક ૨૦૧૪માં ૨૬ સ્થળોથી વધીને હવે ૯૮ સ્થળોએ પહોંચી ગયું છે, જે ૨૭૬ ટકાથી વધુનો વધારો દર્શાવે છે. આ આંતરરાષ્ટ્રીય માન્યતા પર્યાવરણીય સંરક્ષણ અને વેટલેન્ડ્સ સંરક્ષણ પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નામની સાર્થકતા અને ભૌગોલિક મહત્ત્વ:
કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે ૨૨૭ ચોરસ કિલોમીટર (૨૨,૭૦૦ હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક અદભૂત નિવસનતંત્ર ધરાવે છે. વર્ષ ૨૦૦૮ માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરવામાં આવ્યું હતું.
પક્ષીઓ અને વન્યજીવોનું સ્વર્ગ:
છારી-ઢંઢ ખાતે પક્ષીઓની ૨૫૦થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન અહીં સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના ૨૫,૦૦૦ થી ૪૦,૦૦૦ જેટલા કોમન ક્રેન (કુંજ),મળતાવડી ટીટોડી અને ચોટીલી પેણ સ્થળાંતર કરીને આવે છે. આ ઉપરાંત લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો (હંજ) તેમજ સારસ પણ અહીં જોવા મળે છે.
આ ઉપરાંત, અહીં લુપ્તપ્રાય ડાલમેશિયન પેલિકન, ઓરિએન્ટલ ડાર્ટર, બ્લેક-નેક્ડ સ્ટોર્ક અને અનેક શિકારી પક્ષીઓ જોવા મળે છે. માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ આ વિસ્તાર ચિંકારા, રણ લોમડી (Desert Fox), હેણોતરો (કેરેકલ), રણ બિલાડી અને વરુ જેવા વન્યજીવોનું પણ મહત્ત્વનું આશ્રયસ્થાન છે.
વહીવટી તંત્રની સિદ્ધિ:
આ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવામાં ગુજરાતના ચિફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડૉ. જયપાલ સિંઘ, ગાંધીનગર વન્ય પ્રાણી પાંખની ટીમ, મુખ્ય વન સંરક્ષકશ્રી (કચ્છ વન વર્તુળ, ભુજ) તેમજ નાયબ વન સંરક્ષકશ્રી કચ્છ (પશ્ચિમ) વન વિભાગ, ભુજ દ્વારા કરવામાં આવેલી સતત કામગીરી નિર્ણાયક રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર (વેટલેન્ડ ડિવીઝન)ના સતત માર્ગદર્શન હેઠળ વેટલેન્ડના સંરક્ષણ અને તેની જૈવ-વિવિધતા જાળવવા માટે કરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયાસોને પરિણામે આ સિદ્ધિ મળી છે.
પર્યટન અને સંરક્ષણ હકારાત્મક અસર:
રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારી-ઢંઢને હવે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળશે,જેનાથી કચ્છમાં ઇકો-ટૂરિઝમનો વિકાસ થશે અને સ્થાનિક રોજગારીની તકો વધશે. સાથે જ,આ વિસ્તારના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય મળવાનો માર્ગ પણ મોકળો થયો છે. કચ્છના આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા વન વિભાગ કટિબદ્ધ છે.

