Site icon Revoi.in

કેજરીવાલ પર અમેરિકાની પ્રતિક્રિયાથી નારાજ થયું ભારત, MEAએ અમેરિકાના રાજદૂતને 45 મિનિટ પુછયા સવાલ

Social Share

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકાની ટીપ્પણીને લઈને ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. કેજરીવાલ પર ટીપ્પણી બાદ ભારતે બુધવારે દિલ્હીમાં અમેરિકાના દૂતાવાસના કાર્યવાહક ઉપપ્રમુખ ગ્લોરિયા બર્બેનાને તલબ કર્યા હતા. ગ્લોરિયા સાથે વિદેશ મંત્રાલયના અધિકારીઓની બેઠક લગભગ 40થી 45 મિનિટ ચાલી હતી. તે દરમિયાન ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ આંતરિક મામલો છે અને તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમે ભારતમાં કેટલીક કાયદાકીય કાર્યવાહીઓ બાબતે અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાની ટીપ્પણીઓ પર આકરો વાંધો વ્યક્ત કરીએ છીએ. કૂટનીતિમાં દેશોને અન્યોના સાર્વભૌમત્વ અને આંતરીક મામલાઓનું સમ્માન કરવાની અપેક્ષા કરવામાં આવે છે. તેની સાથે લોકશાહીઓના મામલામાં આ જવાબદારી વધુ થઈ જાય છે. નહીંતર આ ખોટું ઉદાહરણ કાયમ કરી શકે છે. ભારતની કાયદાકીય પ્રક્રિયાઓ એક સ્વતંત્ર અદાલત પર આધારીત છે. તેના પર આક્ષેપ કરવો અયોગ્ય છે.

એક દિવસ પહેલા અમેરિકાના વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યુ હતુ કે તે દિલ્હીના મુખ્યમંત્રી અને મુખ્ય વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ સાથે જોડાયેલા અહેવાલો પર સતત નજર રાખી રહ્યું છે. અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે તે કાજરીવાલના મામલામાં તટસ્થ, પારદર્શક અને સમય પર કાયદાકીય પ્રક્રિયાની આશા કરી રહ્યું છે.

કેજરીવાલની ધરપકડ  પર આ બીજી આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા છે. ગત સપ્તાહે જર્મનીએ પણ આવા પ્રકારનું નિવેદન આપ્યું હતું. જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કેજરીવાલની ધરપકડ ધ્યાને લીધી હતી. જર્મનીના અધિકારીએ કહ્યુ હતુ કે અમારું માનવું છે અને આશા કરીએ છીએ કે અદાલતની સ્વતંત્રતા સાથે જોડાયેલા માપદંડ અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંત પણ આ મામલામાં લાગુ થશે.

તેના પછી ભારતે શનિવારે અહીં જર્મન દૂતાવાસનના ઉપપ્રમુખને તલબ કર્યા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મનીના વિદેશ મંત્રાલયની ટીપ્પણી વિરુદ્ધ આકરો વાંધો નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જર્મન દૂત જોર્જ એનજવીલરને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તલબ કર્યા અને જણાવ્યું કે કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયની ટીપ્પણી ભારતની ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ છે. મંત્રાલયે કહ્યુ છે કે કોઈપણ પૂર્વગ્રહવાળી પૂર્વધારણા બિલકુલ અવાંછિત છે.