નવી દિલ્હી, 5 માર્ચ 2026: ભારત સરકારે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ નવી દિલ્હી સ્થિત ઈરાનના દૂતાવાસની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કંડોલન્સ રજિસ્ટર (શોક પુસ્તિકા) પર હસ્તાક્ષર કર્યા હતા અને માર્યા ગયેલા સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ માર્યા ગયા હતા. તેઓ 1989થી ઈરાનના સર્વોચ્ચ રાજકીય અને ધાર્મિક નેતા તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલના આ સંયુક્ત હુમલામાં ખામેનેઈના કમ્પાઉન્ડ પર 30 જેટલી વિનાશક મિસાઈલો છોડવામાં આવી હતી. આ ભયાનક હુમલામાં ખામેનેઈના પત્ની મન્સૂરેહ ખોજસ્તેહ બાઘેરઝાદેહ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. 1964માં ખામેનેઈ સાથે લગ્ન કરનાર મન્સૂરેહ હંમેશા જાહેર જીવનથી દૂર રહેવાનું પસંદ કરતા હતા અને સરકારી કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળતા હતા.
આ હુમલાએ ઈરાનના સર્વોચ્ચ નેતાના પરિવારને વેરવિખેર કરી દીધો છે. ખામેનેઈના કમ્પાઉન્ડ પર થયેલા આ મિસાઈલ એટેકમાં તેમની પત્ની, દીકરી-જમાઈ, પુત્રવધૂ અને પૌત્રી સહિત ઈરાની સેનાના 40 જેટલા કમાન્ડરો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ખામેનેઈ દંપતીને કુલ છ સંતાનો છે. જેમાં ચાર પુત્રો – મોસ્તફા, મોજતબા, મસૂદ અને મેયસમ તથા બે પુત્રીઓ – બોશરા અને હોદાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ધૂળેટીના પર્વના દિને ઈમરજન્સીના કેસમાં વધારો, અમદાવાદ અને સુરત મોખરે

