નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે એક મોટું લક્ષ્ય દેશ સામે રાખ્યું છે. નવી દિલ્હીમાં આયોજિત ‘ગ્રીન ટ્રાન્સપોર્ટ કોન્ક્લેવ’ને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેલના પુરવઠામાં અનિશ્ચિતતા વચ્ચે ભારતે હવે 100 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય પ્રાપ્ત કરવા તરફ આગળ વધવું જોઈએ.
-
ભારત હાલમાં તેની જરૂરિયાતનું 87 ટકા તેલ આયાત કરે છે
ગડકરીએ જણાવ્યું હતું કે ભારત હાલમાં તેની જરૂરિયાતનું 87 ટકા તેલ આયાત કરે છે, જેના માટે અંદાજે 22 લાખ કરોડ રૂપિયા વિદેશ મોકલવા પડે છે. આટલી મોટી રકમ ખર્ચવી એ દેશના અર્થતંત્ર માટે મોટો બોજ છે. તેમજ અશ્મિભૂત ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) પ્રદૂષણનું પણ મુખ્ય કારણ છે. દરમિયાન તેમણે બ્રાઝિલનું ઉદાહરણ આપતા કહ્યું કે જો ત્યાં 100 ટકા ઇથેનોલ મિશ્રણ સફળ થઈ શકે છે, તો ભારતમાં કેમ નહીં?
સોશિયલ મીડિયા પર ઈ20 (20 ટકા ઇથેનોલ મિશ્રણ) ને લઈને ફેલાવવામાં આવતી નકારાત્મકતા પર ગડકરીએ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, “પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક લોકો ઇથેનોલના ઉપયોગ વિરુદ્ધ લોબિંગ કરી રહ્યા છે અને ભ્રમ ફેલાવી રહ્યા છે. પરંતુ ઇથેનોલ એ દેશનું ભવિષ્ય છે અને તે પ્રદૂષણ ઘટાડવાની સાથે રોજગાર પણ વધારશે.”
નિતિન ગડકરીએ ગ્રીન હાઇડ્રોજનને ગેમ-ચેન્જર ગણાવ્યું હતું. તેમણે ભારતને ઊર્જા નિકાસકાર બનાવવા માટે એક મોટું વિઝન રજૂ કર્યું હતું. જે અનુસાર,1 ડોલરમાં 1 કિલો હાઇડ્રોજન પેદા કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમજ કચરામાંથી હાઇડ્રોજન બનાવવાની ટેકનોલોજી પર ભાર મૂકવો હતો. હાલમાં હાઇડ્રોજનનું પરિવહન અને સ્ટેશનોનો ખર્ચ ઘટાડવો એ મુખ્ય પડકાર છે, જેના પર સરકાર કામ કરી રહી છે.
મંત્રીએ ઓટોમોબાઈલ કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેઓ માત્ર ખર્ચ પર નહીં પણ ગુણવત્તા પર ધ્યાન આપે. તેમણે કહ્યું કે સરકાર કોઈને પેટ્રોલ-ડીઝલની ગાડીઓ ખરીદતા બળજબરીથી રોકશે નહીં, પરંતુ વૈકલ્પિક ઈંધણ (ઇલેક્ટ્રિક અને ફ્લેક્સ-ફ્યુઅલ) ને એટલા સક્ષમ બનાવવામાં આવશે કે લોકો જાતે જ તેને પસંદ કરતા થશે. આગામી 1 એપ્રિલથી લાગુ થનારા ‘કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી III’ધોરણો ઇલેક્ટ્રિક અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે સકારાત્મક સાબિત થશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

