નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: ડિજિટલ ઈન્ડિયાના અભિયાન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ને અપનાવવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ નીકળી ગયા છે. જનરેટિવ એઆઈ એપ્સ ડાઉનલોડ કરવા અને ચેટબોટ્સના ઉપયોગમાં ભારતે હવે અમેરિકા જેવા વિકસિત દેશને પણ પાછળ છોડી દીધું છે. સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ભારત હવે વિશ્વનું સૌથી મોટું એઆઈ માર્કેટ બની ગયું છે, જ્યાં એઆઈ એપ્સના ડાઉનલોડમાં 207 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે.
રિપોર્ટના આંકડા મુજબ, સમગ્ર વિશ્વમાં ડાઉનલોડ થતી કુલ એઆઈ એપ્સમાંથી 20 ટકા હિસ્સો એકલું ભારત ધરાવે છે. જોકે, એપના વપરાશના સમયની બાબતમાં અમેરિકા હજુ પણ આગળ છે. અમેરિકન યુઝર્સ ભારતીય યુઝર્સની સરખામણીએ દર અઠવાડિયે 21 ટકા વધુ સમય એઆઈ એપ્સ પર વિતાવે છે અને તેઓ ભારતીયો કરતા વધુ વખત એપ લોગ-ઇન કરે છે.
- ભારતમાં આટલો મોટો ઉછાળો આવવાના કારણો
મોટી કંપનીઓની ભાગીદારી: ગૂગલે રિલાયન્સ જિયો સાથે ભાગીદારી કરીને પોતાના પ્રીમિયમ પ્લાન્સ મફત ઓફર કર્યા છે. તેવી જ રીતે પરપ્લેક્સિટીએ એરટેલ સાથે હાથ મિલાવ્યા છે.
ફ્રી ઓફર્સનો મારો: ઓપનએઆઈએ ગયા વર્ષના અંતમાં તેના ‘ચેટજીટીપી ગો’ પ્લાનને એક વર્ષ માટે સંપૂર્ણ મફત કરી દીધો હતો.
નવા પ્લેટફોર્મ્સ: એલોન મસ્કની ‘ગ્રોક’ અને ચીની એપ ‘ડીપસીક’ જેવા નવા પ્લેટફોર્મ્સના આગમનથી યુઝર્સમાં આકર્ષણ વધ્યું છે.
સોશિયલ મીડિયા ટ્રેન્ડ: ગયા વર્ષે ગિબલી આર્ટ, 3ડી ફિગરીન અને એઆઈ જનરેટેડ સાડી ટ્રેન્ડ જેવા વાયરલ કન્ટેન્ટને કારણે સામાન્ય લોકોમાં પણ એઆઈ એપ ડાઉનલોડ કરવાનો ક્રેઝ વધ્યો છે.
ભારતીયો ફ્રી એપ્સ ડાઉનલોડ કરવામાં તો સૌથી આગળ છે, પરંતુ જ્યારે પૈસા ખર્ચવાની વાત આવે છે ત્યારે તેઓ હજુ પણ ખચકાઈ રહ્યા છે. ઇન-એપ પરચેઝ (એપના પ્રીમિયમ ફીચર્સ માટે પૈસા ચૂકવવા) ના મામલામાં ભારતીયો ઘણો પાછળ છે. વર્ષ 2025 ના ડેટા મુજબ, માત્ર 1 ટકા ભારતીય યુઝર્સ એવા હતા જેમણે એપના સબસ્ક્રિપ્શન માટે નાણાં ખર્ચ્યા હોય. મોટાભાગના ભારતીયો માત્ર ફ્રી ફીચર્સનો જ ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
નિષ્ણાતોના મતે, ભારતમાં વધી રહેલું આ માર્કેટ આગામી સમયમાં ટેકનોલોજી અને આર્થિક વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે, પરંતુ કંપનીઓ માટે યુઝર્સને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન તરફ વાળવા એ એક મોટો પડકાર બની રહેશે.

